Spread the love

અમદાવાદ, ૧૩ જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં શનિવારના રોજ ‘સોસાયટીની વાત’વાર્તા નુ પઠન કરવામાં આવ્યું.

સંચાલક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે આજે સાંજે ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર નવનીત જાની દ્વારા એમની વાર્તા ‘સોસાયટીની વાત’નું પઠન કરવામાં આવ્યું હતું.
વાર્તા સોસાયટીના એક ઘરમાં ઉદ્ભવેલી ઉકળાટભરી પરિસ્થિતિની છે. વહેલી સવારનો સમય છે. એ સમયે એક ઘર પર શાંત અંધકારનો પહાડ તોળાયેલો છે. પતિ પત્ની બંને મૂંઝવણમાં છે. રાતભર ઊંઘ્યાં નથી. આજે બંને રજા પાડી તપાસ કરી લેવાનું વિચારે છે.
એકબીજાની કાળજી કરતાં કરતાં ‘શું થઈ શકે?’ ની અવઢવ સાથે પોતાની દીકરીના કોઈ અજાણ્યા હિતચિંતકના સેલફોન પરથી whatsapp પર મોકલાયેલા પત્રને વાંચીને એ બંને વિમાસણમાં પડી ગયાં છે.

પત્ર બેબી નો જ હતો. એના જ અક્ષર હતા. એક વખત બેબી ને કોઈ અજાણ્યો યુવક ઘરે મૂકવા આવેલો અને બેબી સાથે થયેલી વાતનું આ પરિણામ હશે એવો વિચાર બંનેને આવી જાય છે. ત્યારે બેબીને પૂછેલા એક પણ પ્રશ્નનો જવાબ મળ્યો ન હતો અને આજે આ પત્ર! એમાં ઉલ્લેખ થયેલા રૂઢિપ્રયોગો ‘હૈયું ખાલી કરવું’ ‘માથે ઝાડ ઉગવાં’ વગેરેને પત્ની હળવાશથી નથી લઈ શક્તી. અનેક પ્રશ્નો પતિ પત્નીના મનમાં એનાથી સળવળી ઊઠે છે .
આખી રાતની મૂંઝવણ અને મનોમંથન પછી પતિ પત્ની સવારે બેબીના રૂમનું બારણું ખટખટાવે છે. અંદર જાય છે. આખો ઓરડો વ્યસ્ત વ્યસ્ત પડ્યો હોય છે. બેબી પણ કદાચ ઊંઘી નથી. પતી -પત્ની બેબીને શાંતિથી બેસાડી પેલો પત્ર બતાવે છે. બેબી હબકી જાય છે. મમ્મી એક થપ્પડની ઘરાક સમજે છે બેબીને, પણ પતિ વારી લે છે. ધીમે ધીમે પત્નીનો અવાજ ઊંચો થાય છે અને કહે છે કે ‘તું કહે ત્યારે… તું કહે તેની સાથે…’ પણ યાદ રાખજે, તું આ બે ટકાના ટણપાને લખે છે કે ‘તમાચો મારીને મોં લાલ રાખવું’, ‘દુઃખના ડુંગર ચડવા’ વગેરેનો જવાબ આજ નહીં તો કાલે તારે આપવો જ પડશે!
આ સાથે પતિ પત્નીને બેબીના કમરામાંથી બહાર લઈ આવે છે અને એના કમરાનું બારણું બંધ કરી દે છે . પતિ-પત્ની જાણે એક વર્ષ એક દિવસ એમ એક એક પગથિયું જાણે ઉતરતા જાય છે. ને વાર્તા ભાવના ચિત્તમાં નવી વાર્તાનું બીજ રોપીને પૂરી થાય છે. માતા-પિતા અને દીકરીનાં પોતપોતાનાં મનોવિશ્વની આ વાર્તા છે. આ કાર્યશાળામાં પરબના સંપાદક કિરીટભાઈ દૂધાતની વિશેષ ઉપસ્થિતમાં પરીક્ષિત જોશી, જયંતીભાઈ નાયી, અરૂણાબેન નાયી, યોગેન્દ્ર પારેખ, દીનાબેન પંડ્યા, ચેતન શુક્લ, ચિરાગ ઠક્કર,સંતોષ કરોડે, મુકુલ દવે, ડો.‌હર્ષદ લશ્કરી, ઉર્વશી શાહ, રાધિકા પટેલ તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.