ગાંધીનગર, 29 જૂન, IBM અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ વચ્ચે ગિફ્ટ સિટીમાં બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ સેક્ટર માટે AI ક્લસ્ટર સ્થાપવાના MoU આજે થયા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના સાકાર કરવામાં ગુજરાતને ફ્યુચરિસ્ટીક ટેક્નોલોજીના મહત્તમ વિનિયોગથી અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકસિત ભારત@૨૦૪૭ માટે વિકસિત ગુજરાતનો જે રોડમેપ બનાવ્યો છે તેમાં પણ ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજીને પ્રાધાન્ય આપ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગ દ્વારા ડીપ ટેક્નોલોજી રૂપે ત્રણ મહત્વપૂર્ણ MoU તથા કેપેસિટી બિલ્ડીંગ પ્રોગ્રામ અન્વયે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટના આદાન-પ્રદાન અવસરે સંબોધન કરી રહ્યા હતા.
મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં જે MoU સંપન્ન થયા છે તે અંતર્ગત માઇક્રોસોફ્ટ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ ગિફ્ટસિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર ઑફ એક્સલન્સની સ્થાપના કરશે.
આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસીસ અને બોટ સર્વિસ જેવી મુખ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજીઓ વિવિધ ક્ષેત્રોના પાયલોટ પ્રોજેક્ટ્સ, સફળ પાયલોટ પ્રોજેક્ટ્સનું રોલઆઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર નાગરિકોને અસરકારક, સમયબદ્ધ સેવા પહોંચાડવા, મૂળભૂત સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપીને અને ઉત્પાદન, હેલ્થકેર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેક્નોલોજીકલ પ્રગતિને વેગ આપી સરકાર અને ઉદ્યોગ એમ બંને માટે વિસ્તૃત સાથ સહકાર પ્રદાન કરશે.
નાસ્કોમ સાથે થયેલા MoU અન્વયે રાજ્યની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ક્ષમતાઓને વધારે મજબૂત કરાશે. નાસ્કોમ વિવિધ ક્ષેત્રોના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સોલ્યુશન્સ વિકસાવવા, પાયલોટ પ્રોજેક્ટ્સના અમલીકરણ અને વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડલ્સને અપનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
નાસ્કોમ આ કેન્દ્રનું સંચાલન કરશે તેમજ ગુજરાત ઇન્ફ્રોમેટિક્સ લિમિટેડ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર માટે જરૂરી ઓપરેટિંગ સિસ્ટમ અને બાકીનું નાણાંકીય ભંડોળ પૂરું પાડવામાં આવશે. માઈક્રોસોફ્ટ અને નાસ્કોમ સાથે આ કરાર પાંચ વર્ષ માટે કરવામાં આવ્યા છે. જેથી કરાર બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કેન્દ્રને તરત જ શરૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી પટેલે આ MoU ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ આગવું સ્થાન આપવાની દિશામાં નોંધપાત્ર પગલું ગણાવ્યું હતું.
એટલું જ નહીં, ડિજિટલ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપીને, નવીનતાને આગળ વધારવા સાથે ડિજીટલ ક્ષેત્રમાં યુવાનો માટે વધુ રોજગારીનું સર્જન પણ કરશે તેમ ઉમેર્યું હતું.
રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેક્નોલોજી, દ્વારા IBM સાથે થયેલા MoU સંદર્ભે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ બૅન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ ક્ષેત્ર માટે AI ક્લસ્ટર સ્થાપવામાં આવશે.
IBM દ્વારા ગિફ્ટસિટીમાં તેના વોટસન-એક્સ નામના પ્લૅટફોર્મના માધ્યમથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીના ઉપયોગથી ગિફ્ટ સિટીમાં કાર્યરત રહેલી બૅન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સને લગતી કંપનીઓ ઇનોવેટીવ અને વધુ અસરકારક સેવાઓ વિકસાવી શકાશે. IBMની ટેક્નોલોજીનો ઉપયોગ ભારતની ૮૦% જેટલી નાણાંકીય સંસ્થાઓ કરે છે.
IBMના આ અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્લેટફોર્મ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપયોગ થકી ગિફ્ટ સિટીમાં રહેલ ફાઇનાન્સ ટેક કંપનીઓને વ્યવહારમાં ઉપયોગ કરી શકાય તેવા AI સોફ્ટવેર વિકસાવવામાં મદદ મળશે. તથા બૅન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કાર્યરત સંસ્થાઓને AI આધારિત ડિજિટલ સોલ્યુસન વિકસાવી AI આધારિત સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે.
આ ઉપરાંત IBM રાજ્યની શાળાઓ અને યુનિવર્સિટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો અભ્યાસક્રમ વિકસાવવામાં મદદ કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજી વાર દેશનું શાસન દાયિત્વ સંભાળતાં વિશ્વમાં ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બને તે માટે ફ્યુચરિસ્ટીક ટેક્નોલોજીને પ્રાધાન્ય આપ્યું છે.
ગુજરાત વડાપ્રધાનાં માર્ગદર્શનમાં ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે અને નવી ટેક્નોલોજી સાથેના નવા ઉદ્યોગોને અનુરૂપ હ્યુમન રિસોર્સિસની જરૂરીયાતને પહોંચી વળવા રાજ્ય સરકારે આઇ.ટી. અને આઇ.ટી.ઇ.એસ. પોલિસી અન્વયે અપ સ્કીલિંગ ઇન્ડસ્ટ્રી રેડી ટેલેન્ટ પ્રોગ્રામ દ્વારા કેપેસિટી બિલ્ડીંગની નેમ રાખી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ હેતુસર, અપ સ્કીલિંગ ઇન્ડસ્ટ્રી રેડી ટેલેન્ટ પ્રોગ્રામ હેઠળ રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટીઓ અને કોર્સ પ્રોવાઇડર્સ પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે અને ડીપ ટેક્નોલોજીમાં યુવાનોને તાલીમ પૂરી પાડવાનો હેતુ છે.
આ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ હેઠળ પાંચ કંપનીઓ કોર્સ પ્રોવાઇડર્સ તરીકે તથા ચાર યુનિવર્સિટીઓ એગ્રીગેટર્સ તરીકે આગળ આવી છે. પાંચ કોર્સ પ્રોવાઇડર તરીકે IBM, NVidia, AWS, TCS અને L&T Edutech નો સમાવેશ થાય છે. રાજ્યની ચાર યુનિવર્સિટીઓ GTU, IITRAM, P.D.E.U અને ગણપત યુનિવર્સિટી એગ્રિગેટર્સ તરીકે જોડાઇ છે.
રાજ્ય સરકારના આ પ્રયાસની ફલશ્રુતી રૂપે આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં કુલ અંદાજે ૨૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને ડીપ ટેક્નોલોજી આધારિત કોર્સિસમાં તાલીમ મેળવવાનો લાભ મળતો થશે.
આ ઉપરાંત આઈ.ટી.આઈ. ગાંધીનગર અને સાયન્સ સિટી વચ્ચે પણ એક એગ્રીમેન્ટનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ એગ્રીમેન્ટ અનુસાર રાજ્યના 10 હજાર વિદ્યાર્થીઓ માટે 180 જેટલા સ્ટેમ(STEM) વર્કશોપનું આયોજન કરાશે.
IBM ઇન્ડિયા-સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર સંદિપ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કોઈપણ દેશના આર્થિક વિકાસ અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. AI સમયની માંગ છે અને ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ભારતના વિકાસ માટે ડ્રાઈવિંગ ફોર્સ તરીકે કામ કરશે. ભારત આગામી સમયમાં વિશ્વનું સ્કીલ કેપિટલ બનશે અને તેમાં ગુજરાતનો ફાળો મહત્વપૂર્ણ રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
સાયન્સ ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે બાયો ટેક્નોલોજી, IT, ઈ-ગવર્નન્સ અને ડિજિટલ ક્ષેત્રે ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
ગિફ્ટસિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રે એ જણાવ્યું હતું કે, જે દેશ નવીન ટેક્નોલોજીનો સૌપ્રથમ લાભ લઈ, તેને અપનાવે છે, તે દેશનો આર્થિક વિકાસ ઝડપી થાય છે. ભારત આજે AIને અપનાવીને વિકાસની ગતિને તેજ કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આગામી સમયમાં ભારતની યુવા પેઢી AIનો ડ્રાઈવિંગ ફોર્સ બનશે. તેમણે ગિફ્ટસિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે તેમજ AI અને કૌશલ્ય વિકાસ માટે ગિફ્ટસિટીની વિવિધ પહેલોની વિગતવાર માહિતી આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન GTUના વાઇસ ચાન્સેલર ડૉ. રાજૂલ ગજ્જર, AI-માઈક્રોસોફ્ટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટ શ્રી વેંકટેશ ક્રિષ્ણન, IIT-ગાંધીનગરના ડીન પ્રો. અમિત પ્રશાંત, IBM, માઈક્રોસોફ્ટ, નાસકોમના AI અને IT સાથે સંકળાયેલા ટેક્નોક્રેટ તેમજ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા. ICT અને ઈ-ગવર્નન્સ ડાયરેક્ટર તુષાર ભટ્ટે આભારવિધિ કરી હતી.