Spread the love

 અમદાવાદ, 13 મે,ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ નુ આયોજન કરવામાં આવ્યું઼

 સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૧૧ મે શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ૫:૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત  વાર્તાકાર સ્વાતિ રાજીવ શાહ દ્વારા  એમની વાર્તા  ‘સીતા’નું પઠન કરવામાં આવ્યું હતું.
   વાર્તાની શરૂઆતમાં જેમનું મૃત્યુ થયું છે એવા પતિના મૃત શરીર સામે સૂનમૂન બેઠેલી સીમા અને દીવો કરવા માચીસ શોધતી નણંદના સંવાદથી થાય છે. સીમાના પતિ અમિતના મૃત્યુથી એના મૃત શરીર આગળ ફૂલોનો ઢગલો થયો છે. જે ફૂલો અમિતને ક્યારેય ગમતાં ન હતાં. આ બધું સીમા જોઈ રહી છે. મનોમન બે સીમા વચ્ચે સંવાદ પણ ચાલે છે. લોકો વચ્ચે આદર્શ પતિ જેમ રજૂ થતો અમિત ખરેખર તારો પતિ હતો? આ પીડાનું વિવરણ વાર્તામાં આગળ વધે છે. પુત્ર માટે સીમા બધું સહન કરી લે છે. શબવાહિની અમિતના અગ્નિસંસ્કાર માટે નીકળી કે શાંતાકાકીએ ચાંદલો ભૂસ્યો ને બંગડી પણ ભંગાવી. પરંતુ આ બાહ્ય ક્રિયાકલાપમાં સીમા જાણે ક્યાંય ન હતી. એકદમ મૂંગીમંતર. અન્ય સૌને તો પતિના મૃત્યુના આઘાતનો જ પ્રતિઘોષ એમાં પડઘાતો લાગે, પણ સીમાની ભીતરની આગ તો કેમ જાણે! કોઈ આ દંપતિને રામસીતાની જોડી કહી સરખાવે છે ત્યારે એને પેલી ચૂડેલ સાથેના અમિતના સંબંધો ડામ દેતા હોય છે. એ ફરિયાદી સૂર વ્યક્ત કરે છે કે પોતે તો સીતા જેમ બધું સહન કરી ગઇ, પણ અમિત શું રામ હતો? 
     આ રીતે ભીતરથી રોષપૂર્ણ દાંપત્યજીવનની વાર્તા સ્ત્રીના આક્રોશને યથાતથ વ્યક્ત કરી બતાવે છે. આ કાર્યશાળામાં દીના પંડ્યા,ચેતન શુક્લ, ચિરાગ ઠક્કર, મનહર ઓઝા, યોગેશ ભટ્ટ, સલીલ મહેતા, મુકુલ દવે, હાર્દિક પટેલ, ડો.‌હર્ષદ લશ્કરી, હેત માધુ, પૂર્વી શાહ , દૃષ્ટિ શાહ, અર્ચિતા પંડ્યા, કૌશલ મોદી , અલ્પા મોદી તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.