Spread the love

અમદાવાદ, 09 જૂન,ગુજરાત ના અમદાવાદ માં ‘પાક્ષિકી’ અંતર્ગત  વાર્તાકાર પંકજ ત્રિવેદી દ્વારા  એમની વાર્તા  ‘ખારવાનો છોરું’નું પઠન કરવામાં આવ્યું હતું.
પાક્ષિકી સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત  વાર્તાકાર પંકજ ત્રિવેદી દ્વારા  એમની વાર્તા  ‘ખારવાનો છોરું’નું પઠન કરવામાં આવ્યું હતું.


જ્યાં સુધી નજર પહોંચે, દરિયો જ દરિયો. એવાં કથક નાયકના મુખે બોલાયેલાં વાક્યથી વાર્તાનો ઉઘાડ થાય છે. ખારવાનો છોરું હોવાને કારણે નાયક દરિયામાં લીન બની, આવતી માછલીઓ જોયા કરે. મનોમન એમાં અનુભવાતી મત્સ્ય કન્યા સાથે સંવાદ કર્યા કરે. પોતાના રચેલા મનોજગતમાં નાયક એ રીતે અલૌકિક વિહાર કરતો રહે છે. 
એક વખત દરિયા કિનારે ફરતાં પ્રેમી યુગલ અને માછલી વચ્ચે થયેલા સંવાદનો એ સાક્ષી બને છે. પછી તો જ્યારે એ માછલી યાદ આવે ત્યારે માછલીઘરમાં દોડી જાય છે. એમાંની એક સુંદર માછલીમાં મત્સ્ય કન્યાની અનુભૂતિ કરે છે. મનોમન રોમાંચક પળો માણે છે. વચ્ચે નાયક એનાં સપનાંની વાત અને કોઈએ કહેલી માછલી વિશેની કથા યાદ કરી લે છે. નાયકને ગળી જવા આવતી માછલીથી અન્ય એક માછલી એને બચાવી લે છે. પછી તો પેલી kiss માછલી પણ એને મળે છે. 


એક વખત વળી ગામમાં મત્સ્ય કન્યા જોવા મળી એવી વાત ફેલાઈ છે. નાયક પણ લોકો સાથે દરિયા કિનારે પહોચે છે. એ તો હરખઘેલો બની મત્સ્ય કન્યા માટે દરિયામાં ઝંપલાવે છે.  મધદરિયે પહોંચતા જળમાં એક ભોંયરું આવે છે. નાયક એમાં પ્રવેશે છે. એક  ગૂફામાં અનેક ખંડ પ્રગટે છે. એમાં એક વિશાળ ખંડમાં પેલી મત્સ્ય કન્યા ઊભી હોય છે. પોતાને સ્વપ્નમાં આવતી મત્સ્ય કન્યાની વાત માં માનવા તૈયાર જ ન હતી તે આજે સાક્ષાત હતી. 
 આ મત્સ્ય કન્યા કદાચ માનવીની દુનિયાથી અજાણ હતી. એ નાયકનો સ્પર્શ થતાં સભાનતા સાથે રોમાંચિત પણ થઈ ઊઠી. એના રોમ રોમમાં ચેતન ફરી વળ્યું. થોડો સમય વિતાવી નાયક વિદાય થવા જાય છે ત્યાં મત્સ્ય કન્યા એને વળગી પડી. બંને સાથે દરિયા કિનારે આવે છે. લોકોનું થોડું ટોળું હજી પણ ત્યાં ઊભું હોય છે.  જેવાં બંને કિનારા પર આવવા જાય છે ત્યાં મત્સ્ય કન્યા લોખંડના તાર પર ટીંગાતી નાની નાની માછલીઓ જુએ છે.  મત્સ્ય કન્યા એક ક્ષણ માટે રોકાઈ જાય છે. એ પછી નાયકને આલિંગન આપે છે અને બીજી જ પળે ઊંડા પાણીમાં અદૃશ્ય થઈ જાય છે. આ સાથે વાર્તા પૂરી થાય છે.
ફૅન્ટસી, મીથ અને નિબંધનાં તાણાવાણાથી વાર્તાગૂંફન થયું છે. આ કાર્યશાળામાં પરિષદ પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી ઉપરાંત પ્રફુલ્લભાઈ રાવલ,કિરીટભાઈ દૂધાત અને પ્રવીણ ગઢવીની વિશેષ ઉપસ્થિતમાં પરીક્ષિત જોષી નિર્મલા મેકવાન, ચેતન શુક્લ, ચિરાગ ઠક્કર, મુકુલ દવે, ડો.‌હર્ષદ લશ્કરી, હાર્દિક પટેલ, અર્ચિતા પંડ્યા, રોનક પંચાલ, નીતા જોષી, ઉર્વશી શાહ, જિજ્ઞા મહેતા, રેખા જોશી, હર્ષદ શાહ, મુંબઈથી પધારેલા કવિ હરીશ દાસાણી તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.