ગાંધીનગર, 04 જુલાઈ, ગુજરાતમાં મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે સોલ્યુબલ ફર્ટીલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (SFIA) અને ઇન્ફીનિટી એક્સ્પો દ્વારા આયોજિત “SOMS એક્ઝીબીશન અને કોન્ફરન્સ”નો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે શુભારંભ કરાવ્યો હતો.
નિતિન રથવીએ જણાવ્યું કે આ પ્રસંગે કૃષિ મંત્રીએ એક્ઝીબીશન માં વિવિધ સ્ટોલની મુલાકાત લઇ SOMS એટલે કે, સોલ્યુબલ ફર્ટીલાઇઝર, ઓર્ગેનિક ફર્ટીલાઇઝર, માઈક્રોન્યુટ્રીએન્ટ અને સ્ટીમ્યુલન્ટના વપરાસ અને તેના ફાયદા અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી.
SOMS એક્ઝીબીશનને ખુલ્લું મૂકતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં કૃષિ ઉન્નતી માટે અનેક પ્રયાસો કર્યા છે, તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હરહંમેશ ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રયાસરત રહે છે. કોઇપણ પાકને સામાન્ય રીતે ૧૬ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે, જેમાંથી પ્રમુખ પોષક ફર્ટીલાઈઝર સરકાર તરફથી સબસીડી સાથે ખેડૂતોને પૂરતી માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમ છતાં, કેટલાક પાકોમાં સૂક્ષ્મ તત્વોની કમી રહી જાય છે. સૂક્ષ્મ તત્વ રહિત આવા પાક આહારમાં લેવામાં આવે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનીકારક છે.
તેમણે ઉમેર્યું હતું કે, પાકમાં સૂક્ષ્મ તત્વોની રહેલી આ ખપતને પૂર્ણ કરવામાં SOMS મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી ગુજરાતમાં સૂક્ષ્મ પોષક તત્વની જરૂરિયાત મુજબ પાંચ ગ્રેડ સુનિશ્ચિત કરીને ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજ્યમાં કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે આ તમામ સૂક્ષ્મ પોષક તત્વોને માટીથી છોડ સુધી સારી રીતે પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જૈવિક, LFOM અને પ્રોમ જેવા બિન-પારંપરિક ફર્ટીલાઈઝર કાર્બન તત્વ વધારવા અનેક યોજનાઓમાં સામેલ કરવામાં આવ્યા છે.
મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, SOMS ક્ષેત્રના ઉત્પાદકો અને ખેડૂતોના સંયુક્ત પ્રયાસોથી તેમજ સોલ્યુબલ ફર્ટીલાઇઝર, ઓર્ગેનિક ફર્ટીલાઇઝર, માઈક્રોન્યુટ્રીએન્ટ અને સ્ટીમ્યુલન્ટના ઉપયોગથી થોડા જ વર્ષોમાં ખેડૂતોને તેના સારા પરિણામ મળી શકે છે. SOMSના વપરાસથી મહારાષ્ટ્રમાં દ્રાક્ષ અને દાડમ તેમજ ગુજરાતમાં બટાકા, કેળા અને દાડમના પાકને સારા પરિણામો મળ્યા છે. એકઝીબીશનમાં ઉપસ્થિત અને SOMSના ઉત્પાદન સાથે જોડાયેલી તમામ કંપનીઓને સોલ્યુબલ ફર્ટીલાઇઝર, ઓર્ગેનિક ફર્ટીલાઇઝર, માઈક્રોન્યુટ્રીએન્ટ અને સ્ટીમ્યુલન્ટના મહત્વ વિશે દેશના દરેક ખેડૂતોને જાગૃત કરવા મંત્રીશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સોલ્યુબલ ફર્ટીલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ ચક્રવર્તીએ પ્રાસંગિક ઉદબોધન કરતા સોલ્યુબલ ફર્ટીલાઇઝર, ઓર્ગેનિક ફર્ટીલાઇઝર, માઈક્રોન્યુટ્રીએન્ટ અને સ્ટીમ્યુલન્ટની મહત્વતા, જરૂરિયાત, વપરાસ અને તેના ઉપયોગથી થતા ફાયદો અંગે વિગતવાર પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું. જ્યારે, SFIAના સેક્રેટરી શ્રી વિનોદ ગોયલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સોલ્યુબલ ફર્ટીલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ગુજરાતના અધ્યક્ષ જીતેન્દ્ર ગામી, મહારાષ્ટ્રના અધ્યક્ષ બાલાસાહેબ ઠોમ્બરે, એક્ઝીબીશનમાં સહભાગી થયેલી કંપનીના એકઝીબીટર્સ, SOMS સાથે જોડાયેલી કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
