ગાંધીનગર, 16 જુલાઈ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
ઋચા રાવલએ આજે જણાવ્યું કે રાહત નિયામક આઈ. એસ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહ દરમિયાન પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી ૧૬ થી ૨૨ જુલાઈ સુધી સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, પોરબંદર,દેવભૂમિ દ્વારકા તથા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે. જે સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું છે.
એન.ડી.આર.એફ.ના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની ટીમોનું જિલ્લાકક્ષાએ તહેનાત કરી જિલ્લા વહીવટીતંત્રના આદેશ મુજબ રાહત તથા બચાવની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi Division, ફોરેસ્ટ, આરોગ્ય, BISAG-N, ફિશરીઝ, ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, યુ.ડી.ડી, ફાયર, પંચાયત, પશુપાલન, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, કૃષિ, ઈન્ડિયન આર્મી, તથા ઈન્ડિયન એરફોર્સના નોડલ અઘિકારીઓ હાજર રહ્યા હતા.