અમદાવાદ, ૨૭ જૂન,ગુજરાતના અમદાવાદમાં વીનેશ અંતાણીના ૭૯મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ ગુરુવારે આયોજિત કરવામાં આવ્યું.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫૩૦ કલાકે,રા. વિ. પાઠક સભાગૃહ , ગુજરાતી સાહિત્ય પરિષદ , ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ , આશ્રમ રોડ , અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર વીનેશ અંતાણીના ૭૯મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ‘શબ્દજયોતિ’ અંતર્ગત સાહિત્યકાર વીનેશ અંતાણીએ પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે વીનેશ અંતાણીના પરિવારજનો, સાહિત્યકારો પારસ પટેલ,મોહન પરમાર,યોગેશ જોશી,તુષાર શુક્લ અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
શ્રી વીનેશ અંતાણી આ અવસર પર કહ્યું કે મારા માતા-પિતાએ નાનપણમાં મને ઢોલક અપાવ્યું નહીં.પણ,હું જયારે લખતો થયો ત્યારે સમજાયું કે લખવું એ પણ ઢોલક વગાડવા જેવું જ છે.કચ્છ મારું વતન.બધે વરસાદ પડે તો પણ કચ્છમાં ના પડે.મુંબઈ જયારે રહેતો અને ત્યારે વરસાદ પડે તો મને લાગતું કે આ મારો વરસાદ નથી.એ જ મનોભાવને લઈને પોતપોતાનો વરસાદ પુસ્તક લખાયું.મેં સતત લખ્યું છે.શિસ્તબધ્ધ લખ્યું છે.હજુ પણ રોજના સાત કલાક લખું છું.હું જે લખું તે પરિવાર સાથે ચર્ચા કરું અને સૂચનો બાદ લખાણમાં ફેરફાર પણ કરું.સર્જકના રુંવાડા ઉભા થાય ત્યાં સુધી સર્જક લખતો રહે છે.મારા રુંવાડા હજી પણ ઉભા થાય છે.બાળપણના દિવસોના જન્મદિન કરતાં આ ઉંમરના જન્મદિનની ઉજવણી વિશેષ હોય છે.આ ઉંમરે એક જ અફસોસ છે કે મને વીનુ કહીને બોલાવનારા કોઈ નથી.મારી વાર્તા,નવલકથા અને નિબંધોમાં વિઝ્યુલસ ઉભા થાય છે એટલે મારું સાહિત્યસર્જન લોકોને પસંદ પડે છે.