Spread the love

અમદાવાદ, 27 મે, અમદાવાદમાં “વાર્તા રે વાર્તા” કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું. જેમાં ડૉ. અરવિંદ ભાંડારી દ્વારા બાળકોને પોપટ, મંકોડા, દેડકા અને કાગડાની રસમય વાર્તાઓ કહેવામાં આવી.
મનીષભાઈ પાઠકે સોમવારે જણાવ્યું કે માતૃભાષા અભિયાન દ્વારા બાળકોનું વેકેશન હોવાથી આ રવિવારે “વાર્તા રે વાર્તા” નામનો કાર્યક્રમ કોચરબ આશ્રમમાં કરવામાં આવ્યો, જેમાં 7 વર્ષથી ઉપરના બાળકો પોતાના વાલી સાથે આ કાર્યક્રમમાં આવે તે રીતે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ હાજર રહ્યાં, સૌ પ્રથમ કોચરબ આશ્રમના પરિચય સાથે શરૂઆત કરવામાં આવી, જેમાં આ આશ્રમની સ્થાપના ક્યારે અને કોણે કરી તેની જાણકારી આપી, ગાંધીજી વિષે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા. ગાંધીજી અને કસ્તુરબાના ઓરડા અને રસોડું વગેરે બાળકોને બતાવવામાં આવ્યું.


ત્યારબાર ડૉ. અરવિંદ ભાંડારી દ્વારા બાળકોને પોપટ, મંકોડા, દેડકા અને કાગડાની રસમય વાર્તાઓ કહેવામાં આવી. બાળકોને આ વાર્તાઓ સાંભળવામાં એટલી મજા આવી કે તેઓ હજુ વાર્તા કહો તેમ કહેતા હતા. ખરેખર બાળકોને વાર્તાઓ બહુ જ ગમે તે વાત સાચી લાગી.. બાળકોને ગરમીથી રક્ષણ આપવા માટે કેરીનો બાફલો સૃષ્ટિ સંસ્થા દ્વારા આપવામાં આવ્યો. છેલ્લે બાળકોને “બાલઆનંદ” સામયિક ભેટ આપી બિસ્કીટ આપવામાં આવ્યાં. વાલીઓ દ્વારા  આ કાર્યક્રમ ફરી પણ આયોજિત થાય તેવી રજૂઆત કરવામાં આવી. બાળકો માટેનો કાર્યક્રમ હતો, પરંતુ 25 વર્ષની છોકરીઓ પણ વાર્તા સાંભળવા માટે રજિસ્ટ્રેશન કરાવતા હતા, એટલે વાર્તા નાના, મોટા સૌને ગમે તે સાચું.