અમદાવાદ, 22 મે, અમદાવાદ જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન તૈયારીઓ સંદર્ભે બુધવારે બેઠક યોજાઈ
સરકારી સૂત્રો એ જણાવ્યું કે ચોમાસા પૂર્વે એટલે કે પ્રિ-મોન્સુન તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં તેમના દ્વારા આગોતરા આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ માટેની પૂર્વતૈયારીઓ માટે માર્ગદર્શન અપાયું હતું.
પ્રિ-મોન્સુન સંદર્ભે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરે ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિમાં આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર તથા રાહત બચાવની કામગીરી માટે આગોતરું આયોજન કરી શક્ય તેટલી ઝડપથી કામગીરી થાય તે મુદ્દે જરૂરી સૂચનો કર્યાં હતાં.
આ ઉપરાંત એમના દ્વારા જે તે સંબંધિત વિભાગના અધિકારીઓને કરવાની થતી કામગીરી અંગે પૂર્વતૈયારીઓ સાથે એલર્ટ મોડ પર રહેવા સૂચના અપાઇ હતી. વધુમાં શિસ્તબદ્ધ આયોજન અને તકેદારી સાથે કાર્ય કરવા નિર્દેશ કરવામાં આવ્યો હતો. પ્રજાજનોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતે કામ કરવા કલેકટરશ્રી ખાસ તાકીદ કરી હતી. આ સાથે આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા ફાયરબ્રિગેડ વિભાગને પણ સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ હતી અને તમામ તાલુકાના પ્રાંત અધિકારી તથા મામલતદારને સ્થાનિક લેવલે આગોતરું આયોજન કરી પ્રિ-મોન્સુન પ્લાન બનાવવા સૂચન કરાયું હતું. આ ઉપરાંત ખાસ કરીને આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવામાં આવનાર સ્થળ પર પણ જરૂરી તૈયારીઓ કરવા સૂચન કરાયું હતું.
અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ કહ્યું હતું કે, વર્ષાઋતુ દરમિયાન સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા ટીમ અમદાવાદ કાર્યરત છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ તથા જે-તે સબંધિત વિભાગના અધિકારીઓ, ડિઝાસ્ટર વિભાગના મામલતદાર, પ્રાંત અધિકારીઓ, તાલુકા મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
