Spread the love

ગાંધીનગર, 06 જૂન, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમૂલ બ્રાન્ડ ઘીનું ડુપ્લીકેશન કરતા ગાંધીનગર ખાતે આવેલા પાયલ ટ્રેડર્સ ખાતેથી રૂ. ૭૦,૦૦૦ની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરાયો.
સરકારી સૂત્રો અનુસાર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડૉ. એચ. જી કોશિયાએ આજર જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્તમળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં લેભાગુ તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.
શ્રી કોશિયાએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, અમૂલ બ્રાન્ડ ઘીનું પાયલ ટ્રેડર્સ, સેક્ટર-૨૬, જી.આઈ.ડી.સી, ગાંધીનગર ખાતે ડુપ્લીકેટ વેચાણ થવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં અમૂલ બ્રાન્ડનાં ૧૫ કિ.ગ્રા. અને ૫૦૦ એમ. એલ. પાઉચનો શંકાસ્પદ જથ્થો અને અમૂલ ઘીના લેબલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય માખણ મિશ્રી ગાયના ઘીનો જથ્થો હતો. પેઢીમાં અમૂલ બ્રાન્ડનાં ૧૫ કિ.ગ્રા.માંથી અને ૫૦૦ એમ. એલ. પાઉચના બે અને માખણ મિશ્રી બ્રાન્ડ ગાયના ઘીના ૧૫ કિ.ગ્રા.માંથી અને ૫૦૦ એમ. એલ. પાઉચના બે એમ કુલ ચાર નમૂના લેવામાં આવ્યા. જ્યારે બાકીનો ૨૦૭ કિ.ગ્રા. જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૭૦,૦૦૦ છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. લીધેલા તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.

તેમણે ઉમેર્યું હતું કે, તપાસમાં અમૂલ બ્રાંડના ૧૫ કિ.ગ્રા.ના જથ્થાનો જાતે જ પેક કરતા હોવાનું જાણવા મળ્યું હતું.. વધુમાં અમૂલ બ્રાંડ ના ૫૦ મિ.લી. પાઉચ તેઓ અજાણી વ્યક્તિ પાસેથી ટેલીફોનીક સંપર્ક દ્વારા વગર બિલે ખરીદતા હોવાનું કબુલાત કર્યું છે જે બાબતે પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાથી તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.