કુરુક્ષેત્ર, 14 જુલાઈ, ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું કે તેઓ પોતાના વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરે.
શ્રી દેવવ્રતે કહ્યું કે આજે યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ્સ નાખીને જમીનને પથરીલી અને બંજર બનાવી દીધી છે. ઝરમર વરસાદમાં પણ પૂર આવી જાય છે, કારણ કે વરસાદનું પાણી જમીનના પેટાળમાં જતું નથી. તેમણે કહ્યું કે કીટનાશકોની અસરથી અળસીયા જેવા ખેડૂતોના મિત્રજીવો મરી રહ્યા છે, જેથી પર્યાવરણ પર નકારાત્મક અસર થઈ રહી છે.
આજે હરિયાણાના ગુરુકુળ કુરુક્ષેત્રમાં આયોજિત આર્યસમાજના સમારોહમાં સંબોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ખેતીમાં યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ્સના ઉપયોગથી કેન્સર, હાર્ટએટેક, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ સતત વધી રહી છે, ભૂમિગત પાણી અદ્રશ્ય થઈ રહ્યું છે, જમીન બંજર થઈ રહી છે, પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગ સતત વધી રહ્યું છે. આ બધાથી બચવાનો એકમાત્ર ઉપાય છે પ્રાકૃતિક ખેતી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પર ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિત દક્ષિણ ભારતમાં લાખો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી મિશન સાથે જોડવામાં આવ્યા છે. કાર્યક્રમમાં આવેલા તમામ આર્યસમાજીઓએ એકમતે આચાર્યશ્રીના વેદ પ્રચાર અભિયાન અને પ્રાકૃતિક ખેતી મિશનને આગળ વધારવાનો સંકલ્પ કર્યો.
ગુરુકુલ કુરુક્ષેત્રના વેદ પ્રચાર વિભાગ દ્વારા ગામેગામે જઈને યુવાનોમાં વધતી નશાની પ્રવૃત્તિને રોકવા અને લોકોને સંધ્યા, હવનના માધ્યમથી વૈદિક સંસ્કૃતિ સાથે જોડીને સંસ્કારી સમાજના નિર્માણમાં અનુકરણીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. યુવાનોમાં વધતી નશાની લતને કારણે હજારો ઘરો બરબાદ થઈ રહ્યા છે, યુવાનોને નશા અને અન્ય કુરિવાજોથી બચાવવા માટે આર્યસમાજે સક્રિય પ્રયત્નો કરવા પડશે, તો જ સમાજમાં નવી જાગૃતિ આવશે અને વિકસિત રાષ્ટ્રનું સ્વપ્ન સાકાર થશે.
ગુરુકુલના વેદ પ્રચાર વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, કરનાલ, યમુનાનગર, અંબાલા વગેરે જિલ્લાઓની વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા.
