Spread the love

અમદાવાદઃ ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગની ફાઇનલમાં રવિવારે કર્ણાવતી નાઇટ્સ અને વડોદરા વોરિયર્સ ટકરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મિઝોરમના રમતગમત મંત્રી લાલનહિંગ્લોવા હમાર સહિતના મહાનુભવાઓ મેચના સાક્ષી બનશે. અમદાવદના EKA અરેના ખાતે સાંજે 7 વાગ્યે મેચ શરૂ થશે.
બંને ટીમો વચ્ચે શુક્રવારે રમાયેલી લીગ મેચ 1-1થી ડ્રો થઇ હતી. દિવસની બીજી લીગ મેચમાં અમદાવાદ એવેન્જર્સે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સને 3-0થી હરાવ્યું હતું. જ્યારે ત્રીજી મેચમાં ગાંધીનગર જાયન્ટસે સુરત સ્ટ્રાઇકર્સને 3-0ના સ્કોર સાથે ટક્કર આપી હતી.
અમદાવાદ એવેન્જર્સ અને સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે ત્રણ મેચ જીતી અને બે મેચ હારીને નવ પોઇન્ટ્સ કર્યા હતા. ગાંધીનગર જાયન્ટ્સ ત્રણ જીત સાથે પોઇન્ટ ટેલીમાં પાંચમાં ક્રમાંકે રહી હતી. જ્યારે સુરત સ્ટ્રાઇકર્સ એક પણ મેચ જીતી શકી ન હતી અને માત્ર એક પોઇન્ટ સાથે છેલ્લાં સ્થાન પર રહી.
કર્ણાવતી નાઇટ્સ લીગ મેચોના અંતે 11 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર રહી. તેણે પાંચમાંથી ત્રણ મેચ જીતી જ્યારે બે મેચ ડ્રો રહી હતી. વડોદરા વોરિયર્સે ત્રણ જીત, એક ડ્રો અને એક હાર નોંધાવી હતી અને 10 પોઇન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને રહી.
 ફાઇનલ મેચ બાદ કર્ણાવતી નાઇટ્સ અને વડોદરા વોરિયર્સ એમ બંને ટીમો સિંધુ ભવન રોડ સુધી રોડ શો યોજશે.