Spread the love

Ahmedabad, Gujarat Jan 18, સાહિત્યસર્જક અશોકપુરી ગોસ્વામીના પુસ્તક ‘કૂવો’ વિશે લલિત ખંભાયતાએ અને સાહિત્યસર્જક ધીરુબહેન પટેલના પુસ્તક ‘આગન્તુક’ વિશે કાલિન્દી પરીખે પુસ્તકનો આજે આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૮ જાન્યુઆરી, શનિવારે,સાંજે ૦૫૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
‘પુસ્તક પરિચય’ અંતર્ગત સાહિત્યસર્જક અશોકપુરી ગોસ્વામીના પુસ્તક ‘કૂવો’ વિશે લલિત ખંભાયતાએ અને સાહિત્યસર્જક ધીરુબહેન પટેલના પુસ્તક ‘આગન્તુક’ વિશે કાલિન્દી પરીખે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
લલિત ખંભાયતા : જ્યારે ખેતરમાં કૂવો હોવો એ પ્રતિષ્ઠાનો વિષય હતો અને તેના પાણીના પણ ભાગ પડતા એ સમયની આ નવલકથા છે. 1993માં પ્રગટ થયા પછી તેને દિલ્હી સાહિત્ય અકાદમી સહિત અનેક પુરસ્કાર મળી ચૂક્યા છે અને યુનિવર્સિટીઓમાં ભણાવાય પણ છે.એક સ્ત્રી જ્યારે જીદે ચડે ત્યારે શું કરી શકે તેનો ઉત્તમ નમૂનો આ નવલકથા છે. શરૂઆતમાં જે ગામવાસીઓ નવલકથાની હિરોઈન દરિયા સામે હતા એ બધા તેમની સાથે થઈ જાય છે કારણકે ગમે તેવા વિપરીત સંજોગો સામે રડી લેવાની દરિયાની વિશાળ દરિયા જેટલી હિંમત છે.’
અશોકપુરી ગોસ્વામીએ લખેલી આ નવલકથા ચરોતરના એક ગામની છે માટે ચરોતરી ભાષામાં વધારે સંવાદો થાય છે.ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓમાં આ કથા નો સમાવેશ થાય છે. જે ખેતીપ્રધાન દેશમાં ખેતીની સમસ્યા શું હોઈ શકે તેની પણ રજૂઆત કરે છે.
કાલિન્દી પરીખ : રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત… ધીરુબહેન પટેલની આગન્તુક રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીથી પુરસ્કૃત થઇ છે.ઈશાન સંન્યસ્ત છોડીને મુંબઈ આવે છે. પણ, પોતાના જ પરિવારજનો માટે તે આગન્તુક બની રહે છે. અહીં કૌટુંબિક સંબંધોનુ ખોખલાપણું પ્રગટ થયું છે. આગળ જતાં ઈશાનની મહત્તા સમજાતાં,તેના તરફથી બહુ મોટો લાભ મળવાની શક્યતા ઊભી થતાં વળી બંને ભાઈઓ તેને પોતાના ઘરે રાખવા બાખડી પડે છે. ઈશાન તેમના માટે વસ્તુ બની જાય છે. ઈશાન ન તો સાધુ છે ન તો સંન્યાસી, તેનો બંને જગ્યાએથી હક નથી રહેતો. તે તો આગન્તુક જ બની રહે છે. ઈશાન સતત ચાલતો રહે છે. સાધુ તો ચલતા ભલા પણ તેણે ભગવા ત્યજી દીધા છે હવે તો તે સાધુ પણ નથી. આ ઈશાન ઓળખાતો નથી. એની સાચી ઓળખ માટે કદાચ આપણે પોતે તેની નિકટ જવુ પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *