તા. ૦૩ મે શુક્રવારે ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કવિ રમેશ ચૌહાણના સહયોગથી ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર,વાર્તાકાર, નિબંધકાર કેશુભાઈ દેસાઈના
૭૬મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ‘શબ્દજયોતિ’ અંતર્ગત ડૉ.કેશુભાઈ દેસાઈ એ પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
શ્રી કેશુભાઈ દેસાઈ :
છેલ્લા સાડા સાત વર્ષથી હું એકલો જીવન જીવી રહ્યો છું.મારી વાર્તાઓના પાત્રો મારી સાથે રહે છે એટલે મને એકલતાની બીક નથી લગતી.અપેક્ષાઓ જ દુઃખનું કારણ છે એટલે મેં સદંતર અપેક્ષાઓ છોડી દીધી છે.ચોવીસ કલાક સાહિત્યસર્જનમાં રહે એ માટે સતત હું પ્રયત્નશીલ રહું છું.મારી વાર્તા પરથી ‘વન પારેવા’ ગુજરાતી ફિલ્મ બની રહી છે.એ માધ્યમ દ્વારા પણ સાહિત્ય લોકો સુધી પહોંચે એનો આનંદ છે.ગુજરાતી ઉપરાંત મારા પુસ્તકોનો અન્ય ભાષાઓમાં અનુવાદ થયો છે.ગુજરાતી ભાતીગળ પરિવેશ અન્ય ભાષા દ્વારા બીજા ભાષાપ્રેમીઓ સુધી પહોંચે એ મારા માટે મોટી વાત છે.