Spread the love

ગાંધીનગર, 10 જુલાઈ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં, જુનાગઢના વંથલી, માણાવદર અને માળિયા હાટીના તાલુકામાં તેમજ બનાસકાંઠાના ભાભર તાલુકાને મળી કુલ ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.
નિતિન રથવીએ જણાવ્યું કે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૦ જુલાઇ ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ ૩૪.૯૪ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ ૩૪.૮૫ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૨૭.૨૧ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર ૧૭.૭૫ ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો ૧૬.૩૨ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત મહેમદાબાદ, રાણાવાવ, ભાણવડ, ધોરાજી, લાઠી, મેંદરડા, કેશોદ અને તલાલા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે બગસરા, નખત્રાણા, અંજાર, પોરબંદર, માતર, જામકંડોરણા, ગાંધીધામ, ખેડા, કુતિયાણા, વિસાવદર અને જૂનાગઢના માંગરોળ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે ૩૨ જેટલા તાલુકામાં એક ઈંચથી વધુ અને ૧૦૪ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.