Spread the love

ગાંધીનગર, 10 જુલાઈ, તાજેતરના કેસોની શ્રેણીમાં, ગુજરાત પોલીસે તપાસ પ્રક્રિયામાં અસાધારણ કાર્યક્ષમતા દર્શાવી છે અને સમયસર ચાર્જશીટ દાખલ કરવાના પરિણામે ગુનેગારોને સજા આપવાની પ્રક્રિયા ઝડપી બની છે.
સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે ગુજરાત પોલીસની આ નોંધપાત્ર સિદ્ધિ કાયદાના શાસનને જાળવી રાખવા અને સમગ્ર રાજ્યમાં બાળકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ હેઠળ જાતીય અપરાધોનો ભોગ બનેલા લોકોને ઝડપી ન્યાય આપવામાં ગુજરાત પોલીસે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેમના અવિરત પ્રયાસો અને સમર્પણ દ્વારા, પોલીસે એ ગુનેગારોને તુરંત સજા અપાવીને, પીડિતને ત્વરિત ન્યાય અપાવવામાં આવે છે, જેનાથી બાળકોની સુરક્ષા માટે રાજ્યની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે.
કેસનું વિહંગાવલોકન : અમદાવાદ પોલીસ : આરોપીની તુરંત ધરપકડ કરી, સઘન તપાસ હાથ ધરી, અને માત્ર ૩૭ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી. પીડિતાના પરિવારને ન્યાય આપતા નામદાર કોર્ટે ગુનેગારને ૨૦ વર્ષની જેલની સજા ફટકારી છે.
ભુજ પોલીસ: આરોપીની તુરંત ધડપકડ કરવામાં આવી અને નામદાર કોર્ટે ગુનેગારને ૨૦ વર્ષની કેદની સજા ફટકારી, પીડિત પરિવારને ન્યાય અપાવ્યો.
ગાંધીધામ પોલીસ: આરોપીની ત્વરિત ધરપકડ કરી, ઝીણવટભરી તપાસ કરી અને માત્ર ૨૦ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી. પીડિતાના પરિવારને ન્યાય અપાવતા નામદાર કોર્ટે ગુનેગારને ૨૦ વર્ષની જેલની સજા ફટકારી છે.
વડોદરા પોલીસ: આરોપીને ઝડપથી પકડવામાં આવ્યો, અને ૨૦ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી. પીડિતાના પરિવારને ન્યાય અપાવતા નામદાર કોર્ટે ગુનેગારને ૨૦ વર્ષની જેલની સજા ફટકારી છે.
સુરત પોલીસ: ૨ આરોપીઓની તત્કાલ ધોરણે ધરપકડ કરી, ઝીણવટભરી તપાસ કરી, અને માત્ર ૨૬ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી. પીડિતાના પરિવારને ન્યાય આપતા નામદાર કોર્ટે બંને ગુનેગારને ૨૦ વર્ષની કેદની સજા ફટકારી છે.
આ કેસોનું ઝડપી નિરાકરણ માત્ર પીડિતો અને તેમના પરિવારોને જ નહીં, પરંતુ સંભવિત અપરાધીઓને બાળકો સામેના ગુનાઓ પ્રત્યે રાજ્યની શૂન્ય-સહિષ્ણુતા (ઝીરો ટોલરન્સ) નીતિ વિશે મજબૂત સંદેશ પણ આપે છે. ગુજરાત પોલીસ દ્વારા અપનાવવામાં આવેલ સક્રિય અભિગમમાં અધિકારીઓ માટે વિશેષ તાલીમ, ઝડપી પ્રતિભાવ ટીમો અને બાળ સુરક્ષા કાયદાઓ પર વિશેષ ધ્યાન આપવાનો સમાવેશ થાય છે.
ગાંધીધામના એક નોંધપાત્ર કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ૨૦ દિવસની રેકોર્ડ બ્રેક સમયમર્યાદામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આવા કિસ્સાઓ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે અન્ય રાજ્યો માટે એક આદર્શનું સ્થાપન કરે છે.
મજબૂત કાયદાના અમલીકરણ ઉપરાંત, ગુજરાત સરકાર પીડિતો માટે કાઉન્સેલિંગ સેવાઓ, કાનૂની સહાય અને પુનર્વસન સહિત સહાયક પ્રણાલીઓને વધારવા પર નક્કર રીતે કામ કરી રહી છે.
સરકારનો સર્વગ્રાહી અભિગમ એ સુનિશ્ચિત કરે છે કે પીડિતોને જરૂરી સંભાળ મળે અને સમગ્ર ન્યાયિક પ્રક્રિયા દરમિયાન સહાયતા મળે.
ઝડપી ન્યાય માટેની પ્રતિબદ્ધતા અને પોક્સો કેસના સંચાલનમાં ગુજરાત પોલીસની અનુકરણીય કામગીરી બાળકો માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ બનાવવા માટેની તેમની નિષ્ઠા અને સમર્પણ બતાવે છે. રાજ્ય સરકાર અને કાયદા અમલીકરણ એજન્સીઓ ગુજરાતમાં દરેક બાળકના અધિકારો અને સુખાકારીના રક્ષણ માટે પોતાના અથાગ પ્રયત્નો થકી પ્રતિબદ્ધતા સાથે કામ કરતી રહેશે.