ગાંધીનગર, 04 જુલાઈ, ગુજરાતમાં પ્રવેશોત્સવ દરમિયાન ૬,૬૮૫ ક્લાસરૂમ, ૭,૮૭૮ કોમ્પ્યુટર લેબ, ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદઘાટન થયા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ તા. ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજવામાં આવ્યો હતો.
ગુજરાતમાં શિક્ષણના સ્તરની ઉત્તરોત્તર વૃદ્ધિ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળથી આ મુહિમ શરૂ કરાવી છે.
શાળા પ્રવેશોત્સવની આ વર્ષની ૨૧મી શૃંખલામાં સહભાગી થયેલા મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓના પ્રતિભાવો-સૂચનો અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પ્રતિભાવ બેઠક ગુરૂવારે યોજાઇ હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, શાળા પ્રવેશોત્સવના આ શિક્ષણ સેવા યજ્ઞની સફળતાથી વિકસિત ગુજરાત બનાવી વિકસિત ભારતના નિર્માણની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના સાકાર કરવી છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કામને પોતાનું સમજીને કામ કરવાથી સારા પરિણામો અવશ્ય મળે જ છે તે શાળા પ્રવેશોત્સવની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાતે પુરવાર કર્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શિક્ષણ અને શિક્ષક બંનેની જે ઈમેજ હતી તેમાં હવે બદલાવ આવ્યો છે ગુણવત્તા, સ્તર અને સુવિધા સુધર્યા છે. એટલું જ નહિં, શિક્ષક વિદ્યાર્થીના માતા-પિતાની ભૂમિકા ભજવી બાળકના સર્વગ્રાહી વિકાસની સતત ચિંતા કરે છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગ્રામીણ અંતરિયાળ આદિવાસી વિસ્તારો સુધી હવે અદ્યતન શિક્ષણ સહુલિયત પહોંચી છે. આ સુવિધાઓનો પૂરતો લાભ બાળકોને મળે તે માટે શાળા પ્રવેશોત્સવ જેવા આયામોથી આપણે સૌ સાથે મળીને હજુ વધુ સારું પરિણામદાયી કામ કરીએ તે પણ એટલું જ જરૂરી છે.
મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવના પોતાના સ્વાનુભવો વર્ણવતા ઉમેર્યું કે, આદિજાતિ વિસ્તારના છેલ્લા ગામો પણ વિકાસની હરોળમાં પહેલા ગામ બન્યા છે, તેવી સુવિધાઓ સરકારે પહોંચાડી છે. આ વર્ષના પ્રવેશોત્સવમાં નવમા ધોરણમાં પ્રવેશ માટે પહેલીવાર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, આપણે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ મોટો ફેર પાડી શકીશું.
મુખ્યમંત્રીએ શિક્ષક ક્યારેય સાધારણ ન હોય તેની વિભાવના સ્પષ્ટ કરતા ઉમેર્યું કે, જવાબદાર નાગરિકના ઘડતરની નૈતિકતા શિક્ષકનું પરમ દાયિત્વ છે. આપણે સૌ પણ સાથે મળીને શિક્ષણની જ્યોતથી ઉજ્જવળ ભાવિ માટે સહયોગી બનીએ.
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ની સફળતાની સિદ્ધિઓ વર્ણવતું પ્રેઝન્ટેશન આ બેઠકમાં શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવે પ્રસ્તુત કર્યું હતું.
તદઅનુસાર, રાજ્યભરની ૩૧,૮૮૫ પ્રાથમિક શાળાઓ અને ૬,૩૬૯ માધ્યમિક શાળાઓની આ પ્રવેશોત્સવ સંદર્ભે ૭૪,૩૫૨ મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.
એટલું જ નહિં, પ્રવેશોત્સવ દરમ્યાન ૬,૬૮૫ ક્લાસરૂમ, ૭,૮૭૮ કોમ્પ્યુટર લેબ અને ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ ઉદ્ઘાટન સંપન્ન થયા હતા.
આ પ્રવેશોત્સવમાં બાલવાટિકાથી લઈને ધોરણ-૧૧માં પ્રવેશપાત્ર બાળકોના શાળા નામાંકનમાં અત્યાર સુધીમાં બાલવાટિકામાં ૪.૩૮ લાખ, ધોરણ-૧માં ૯.૧૪ લાખ, ધોરણ-૯માં ૮.૧૨ લાખ અને ધોરણ-૧૧માં ૫.૬૩ લાખની ડેટા એન્ટ્રી ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલ પર થઈ છે. ડેટા એન્ટ્રીની આ કામગીરી ૩૧ જુલાઈ સુધીમાં સંપૂર્ણ કરાશે.
રાજ્ય સરકારે દીકરીઓના અભ્યાસને વધુ પ્રોત્સાહન આપવા શરૂ કરેલી ‘નમો લક્ષ્મી’ યોજનાને પરિણામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીનીઓના નામાંકનમાં ૬.૫ ટકાનો વધારો પાછલા વર્ષની તુલનાએ થયો છે.
આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહના શિક્ષણમાં વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા સહાયરૂપ ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાને કારણે વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં પાંચ ટકા વધારો થયો છે.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, આદિજાતી વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ પાંચ જેટલા વરિષ્ઠ સચિવ કક્ષાના અધિકારીઓએ પોતે જે ગામો અને શાળાઓમાં ગયા હતા ત્યાંની શિક્ષણ સુવિધાઓ, મધ્યાહન ભોજન, બાળકોના વાંચન-લેખન, ગણિત-વિજ્ઞાનના વિષયની અભિરુચિ તથા શિક્ષકોની સજ્જતા અને શિક્ષણની ગુણવત્તા અંગેના મંતવ્યો, અભિપ્રાયો તથા સુઝાવો વ્યક્ત કર્યા હતા.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે શાળા પ્રવેશોત્સવનો આ સેવાયજ્ઞ અવિરત ચાલતો રહે અને રાજ્યના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ઝળહળતી મશાલ બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
મુખ્ય સચિવ રાજકુમારે આ પ્રસંગે કહ્યું કે, શિક્ષણનું સ્તર અને ગુણવત્તા બેય પ્રવેશોત્સવની ઉત્તરોત્તરની સફળતાથી સુધરે તેવો આ અભિયાનનો આશય છે.
બાળકોના સર્વગ્રાહી વિકાસ માટે શિક્ષક સાથે વાલીઓ અને સમાજનું યોગદાન પણ જરૂરી છે તેને વધુ પ્રેરિત કરવાનું દાયિત્વ આવા પ્રવેશોત્સવથી આપણે સૌએ નિભાવવાનું છે.
તેમણે પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં ખેત મજૂરો કે શ્રમિકોના બાળકો આવતા હોવાથી હાજરીની અનિયમિતતા વર્તાય છે. આવા બાળકોના માતા-પિતાનો રૂબરૂ સંપર્ક કરીને તેમના સંતાનો શાળામાં આવે તેવા પ્રયાસોની પણ જરૂરિયાત છે.
મુખ્ય સચિવએ પ્રાથમિક કક્ષાએથી જ શાળા શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન સાથે બાળકોના આરોગ્યની સંભાળ અને તપાસ માટે CHC, PHC, સબ સેન્ટર્સને પણ જોડવાનું પ્રેરક સૂચન કર્યું હતું.
સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ ડાયરેક્ટર શ્રીમતી ડૉ. રતન ચારણ ગઢવીએ સૌની ઉપસ્થિતિનો ઋણ સ્વીકાર કર્યો હતો.
