Spread the love

વર્ષ 2022 અને 2023 માં અનુક્રમે કૌટુંબિક મનોરંજક ફિલ્મો ‘ફક્ત મહિલા માટે’ અને ‘ત્રણ એક્કા’ ની જબરજસ્ત સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહે તેમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત પુરૂષો માટે’ ની જાહેરાત કરી છે. આ પાથ બ્રેકિંગ નવી ગુજરાતી ફિલ્મ માટે આનંદ પંડિત અને વૈશલ શાહ ફરીથી એકત્ર થયા છે.
આ ફિલ્મની વાર્તા શ્રાદ્ધ (કાગવાસ) ના પવિત્ર 16 દિવસો દરમિયાનની છે, પુરષોત્તમ (દર્શન જરીવાલા) તેના પૌત્ર બ્રિજેશ (યશ સોની) ના બાળપણના પ્રેમ (એશા કંસારા) સાથેના લગ્નને તોડવા માટે તમામ પ્રકારની જાદુઈ શક્તિઓ સાથે મૃત્યુ પછી પૃથ્વી પર ઉતરે છે. જ્યાં જૂની-પરંપરા અને માન્યતાઓ આજની પેઢીની વિચારશરણી વિરૃદ્ધ ટકરાઈ છે. આ જાદુઈ વાર્તાનો હેતુ પેઢીઓથી ચાલતી આવતી પિતૃસત્તાને તોડવાનો અને જેન્ડર ઇક્વાલિટીને સમર્થન આપવાનો છે.
“ફક્ત પુરૂષો માટે” એ જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લખાયેલ અને નિર્દેશિત સિનેમેટિક ટ્રીટ છે. જેમાં સુપરસ્ટાર યશ સોની, એશા કંસારા, મિત્રા ગઢવી, દર્શન જરીવાલા અને આરતી વ્યાસ પટેલ સહીત સ્ટાર-સ્ટડેડ કાસ્ટ છે. આ સિનેમેટિક માસ્ટરપીસ જન્માષ્ટમી 2024 ના રોજ મોટા પડદા પર રજુ થશે.
ગુજરાતી સિનેમામાં સતત ત્રીજી વાર કોલાબોરેશન સાથે, આનંદ પંડિત અને વૈશલ શાહની જોડી ફરી એકવાર સાથે જોડાઈ છે. તેમની અગાઉની બે ફિલ્મો, અનુક્રમે વર્ષ 2022 અને 2023 માં “ફક્ત મહિલાઓ માટે” અને “ત્રણ એક્કા,” બ્લોકબસ્ટર સાબિત થઇ અને બોક્સ ઓફિસની ભવ્યતાની ઊંચાઈઓ સર કરી.
નિર્માતા આનંદ પંડિતે જણાવ્યું, “અમે હજુ પણ એક સ્ટાર કાસ્ટનું નામ સિક્રેટ રાખીએ છીએ અને ફિલ્મના રિલીઝ સમયે જાહેર કરીશું. આપણે બધા જાણીએ છીએ કે “ફક્ત મહિલાઓ માટે” શ્રી અમિતાભ બચ્ચનએ ખાસ હાજરી આપી હતી. આ ફિલ્મમાં પણ દર્શકોને આકર્ષિત કરવા માટે એક સરપ્રાઇસ એલિમેન્ટ છે.”
વૈશલ શાહે વધુમાં જણાવ્યું, “દરેક ફિલ્મ સાથે અમે સારા મૂલ્યો અને બોન્ડિંગ સાથે પરિવારોને થિયેટરમાં લાવવા માંગીએ છીએ. અમે હંમેશા આપણી સંસ્કૃતિ અને પરંપરાને સાથે લઈને ચાલીએ છીએ. આ ફિલ્મ એક એવી મનોરંજક ફિલ્મ છે જેની સાથે દર્શકો જરૂર પોતાને રીલેટ કરી શકશે.”