ગાંધીનગર, 01 જૂન, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની માઉન્ટ આબુ ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા દ્વારા જુલાઈ ૨૦૨૪માં નિ:શુલ્ક હિમાલય ભ્રમણનું આયોજન કરાશે.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનરની યાદીમાં જણાવ્યું છે કે જેમાં ભાગ લેવા ઇચ્છુક ૧૭ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓએ તા. ૦૭ જૂન સુધીમાં અરજી કરવાની રહેશે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, હિમાલય ભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છતા યુવક-યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. અરજીમાં ઉમેદવારે પોતાનું નામ, સરનામું, ટેલિફોન નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત (ધોરણ-૧૨ પાસનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ) વગેરે દર્શાવવાનું રહેશે. તદ્ઉપરાંત અરજીની સાથે શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, વાલીની સંમતિ પત્રક અને ખડક ચઢાણનો કોચિંગ કોર્ષ પૂર્ણ કર્યાંનું પ્રમાણપત્ર સામેલ હોવું જરૂરી છે.
માઉન્ટ આબુ/ જુનાગઢ ખાતે નાણાંકીય વર્ષ ૨૦૨3-૨૪માં માનદ્ ઈન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપી હોય તો તેના પ્રમાણપત્રોની નકલ જોડવાની રહેશે. ઉમેદવારને શારીરીક કસોટી માટે સંભવિત તા. ૧૫મી જૂન, ૨૦૨૪ના રોજ બોલાવવામાં આવે ત્યારે સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોની લાયકાત અને ગુણવત્તાના આધારે પસંદગી કરાશે. પસંદગી પામેલ ઉમેદવારોને તેમના વતનથી હિમાલય ખાતેના ભ્રમણ સ્થળ સુધી જવા-આવવાના પ્રવાસ અને ભોજન ખર્ચ તેમજ નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પુરી પાડવામાં આવશે. અન્ય વ્યક્તિગત સાધનસામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને સંસ્થા દ્વારા અગાઉથી ટેલીફોનીક જાણ કરવામાં આવશે.