અમદાવાદ, 29 મે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં બાળકો માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું .
આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે 20થી 29 મે દરમિયાન અમદાવાદનાં 36 કેન્દ્રો પર નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની આ પહેલમાં અમદાવાદનાં 20 હજારથી વધુ બાળકો સહભાગી થયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીના માર્ગદર્શનમાં રાજ્યભરમાં યોગને કેન્દ્રમાં રાખી સમર કેમ્પનું આયોજન કરાયું હતું.

અમદાવાદનાં વિવિધ સેન્ટર્સ ખાતે વાલીઓ હોંશેહોંશે તેમનાં સંતાનોને લાવ્યા હતા. બાળકોમાં સંસ્કારની અભિવૃદ્ધિ અને આહારમાં સુધારાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ સમર કેમ્પ અને સંસ્કાર શિબિરમાં તજજ્ઞો દ્વારા યોગ તાલીમ આપવામાં આવી હતી. જેમાં યોગ પ્રત્યે બાળકોની અભિરુચિ વધારવા તથા તેમને પેકેજ્ડ ફૂડ અને ફાસ્ટફૂડથી દૂર રાખી હોમમેઈડ- હેલ્ધી ફૂડ આપવાની વાલીઓને શીખ આપવામાં આવી. આ ઉપરાંત બાળકોને વિવિધ યોગાસનો અને પ્રાણાયામની તાલીમ અપાઈ. બાળકોમાં મોબાઇલની લતના વધતા પ્રમાણ વચ્ચે તેમને મોબાઈલથી દૂર કરી કસરત, યોગાસનો અને મેદાની રમતો તરફ કેવી રીતે વાળવા તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.

બાળક ઘરે પણ નિયમિત રૂપે યોગ-પ્રાણાયામ કરી શકે તેના માટે તૈયાર કરાયેલી આકર્ષક યોગાસન માહિતી પુસ્તિકા, ચિત્રપોથી અને સમર કેપમાં જોડાયેલાં બાળકોને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા. સાથોસાથ સમગ્ર કેમ્પ દરમિયાન બાળકો માટે પોષણયુક્ત પીણું અને અલ્પાહારની વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. રાજ્ય યોગબોર્ડના સભ્યો, યોગ કો-ઓર્ડિનેટર તથા સ્વયંસેવકો દ્વારા સમરકેમ્પના સુચારુ આયોજનને વાલીઓ બિરદાવ્યું હતું. આ શિબિરના અંતે બાળકો નિયમિત યોગ-પ્રાણાયામ કરવા માટે કટિબદ્ધ થયા હતા.