Spread the love

ગાંધીનગર, 23 મે, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે કહ્યું કે આકરા તાપમાં સૌની આરોગ્ય સલામતી જળવાય અને હીટ વેવની અસરોથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન રાજ્ય સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી છે.
શ્રી પટેલે આજે એક્સ પર એમની પોસ્ટ માં લખ્યું છે કે ગુજરાતના મારા વ્હાલા સૌ નાગરિક ભાઈ-બહેનો આપણે બધા જ હાલ આકરા તડકા અને અતિશય ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ. હવામાન વિભાગે પણ હીટ વેવ સાથે તાપમાન હજુ વધુ ઊંચું જવાની આગાહી કરી છે. આ આકરા તાપમાં સૌની આરોગ્ય સલામતી જળવાય અને હીટ વેવની અસરોથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન પણ રાજ્ય સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી છે.
‘સાવચેતી એ જ સલામતી’ એવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે, તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ, અનિવાર્ય હોય તો જ નીકળીએ. પાણી અને પ્રવાહી વધુ પ્રમાણમાં લઈએ અને ડી-હાઇડ્રેશનથી બચીએ. લૂ લાગવી – સન સ્ટ્રોક લાગવો કે ગરમીના પ્રકોપને કારણે સ્વાસ્થ્યને અસર પડે તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર-દવાખાનાનો સંપર્ક કરીએ. આ હીટ વેવ, અતિશય ગરમી અને તાપની સ્થિતિમાં સૌ સાવચેતી, સલામતી અને સતર્કતા રાખીએ.