Spread the love

27.04.2024


  ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ થી મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટનું આદાન-પ્રદાન કરવા માટે આજે રાજ્ય કક્ષાના દ્વિતીય એક્ષચેન્જ મેળાનું અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઑડિટોરીયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના જનરલ ઓબઝર્વરશ્રી પુનિત યાદવે પોસ્ટલ બેલેટના આ દ્વિતીય એક્ષચેન્જ મેળાની મુલાકાત લઈ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓને નિહાળી હતી. પોતાના અથાક પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું પાયાનું મહત્વનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તેમને પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. આવા કર્મચારીઓ દ્વારા અગાઉ ભરવામાં આવેલા ફોર્મ-12 આધારે આજે તેમના માટે પોસ્ટલ બેલેટનું રાઉન્ડ પ્રમાણે આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ ઍક્ષચેન્જ મેળામાં રાજ્યના સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી એ. બી. પટેલે ઉપસ્થિત રહી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની પ્રક્રિયામાં ફરજ પર નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ પોસ્ટલ બેલેટ પેપર મારફત પોતાના ફરજના સ્થળ પરથી મતદાન કરી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે યોજાયેલા રાજ્યકક્ષાના દ્વિતીય એક્ષચેન્જ મેળાની કામગીરીમાં દરેક જિલ્લાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સારો સહયોગ આપ્યો છે અને આ પ્રકારની વ્યવસ્થાથી ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સરળતાથી મતદાન કરી શકશે, જેનાથી મતદાનમાં પણ વધારો થશે. તેમણે જણાવ્યું કે, ગત તા.18 એપ્રિલના રોજ યોજાયેલ રાજ્યકક્ષાના પ્રથમ ઍક્ષચેન્જ મેળાની સફળતા બાદ આજે યોજાયેલા દ્વિતીય ઍક્ષચેન્જ મેળામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણીની પ્રક્રિયામાં ફરજ પર નિયુક્ત કરવામાં આવેલા કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરી શકે તે માટે બેલેટ પેપરનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ મેળામાં રાજ્યના તમામ ૩૩ જિલ્લાના પોસ્ટલ નોડલ અધિકારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ મેળવવા માટે ભરવામાં આવેલા ફોર્મ-12 ના કુલ 2.90 લાખ જેટલાં ફોર્મના આધારે આજે કુલ 2.45 લાખ બેલેટ પેપર રાજ્યના 26 લોકસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અને અમદાવાદ પૂર્વ બેઠકના ચૂંટણી અધિકારી વિદેહ ખરે, અધિક કલેકટર રિન્કેશ પટેલ, અધિક કલેક્ટર એ. કે. ગૌતમ, સંયુક્ત નિયામક મનિષ પંડ્યા, અમદાવાદના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર સહિત પોસ્ટલ બેલેટના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટના આદાન-પ્રદાન માટે અમદાવાદ ખાતે દ્વિતીય એક્ષચેન્જ મેળો યોજાયો