અમદાવાદ, ૨૬ જૂન, ગુજરાત ના અમદાવાદમાં બુધવારે ‘જયભિખ્ખુ’ના ૧૧૭મા જન્મદિનપ્રસંગે ‘શીલભદ્ર સારસ્વત’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન આયોજીત કરવામાં આવ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫-૩૦ કલાકે,રા. વિ. પાઠક સભાગૃહ , ગુજરાતી સાહિત્ય પરિષદ , ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ , આશ્રમ રોડ , અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર,પત્રકાર,નાટ્યકાર,સંપાદક બાલાભાઈ વીરચંદ દેસાઈ ‘જયભિખ્ખુ’ના ૧૧૭મા જન્મદિનપ્રસંગે ‘શીલભદ્ર સારસ્વત’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. ‘શીલભદ્ર સારસ્વત’માં જિંદાદિલ સાહિત્યકાર જયભિખ્ખુ વિશે જયભિખ્ખુના પુત્ર અને પદ્મશ્રી પુરસ્કૃત સાહિત્યકાર કુમારપાળ દેસાઈએ અને જયભિખ્ખુનું કથાસાહિત્ય વિશે સાહિત્યકાર સંધ્યા ભટ્ટે તથા કટારલેખક જયભિખ્ખુ વિશે પત્રકાર રમેશ તન્નાએ અભ્યાસલક્ષી વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
શ્રી કુમારપાળ દેસાઈએ આ અવસરએ કહ્યું કે સમાજ અને સાહિત્યમાં અત્યારે સિંહોની વસ્તી ઓછી થઈ ગઈ હોય એવું મને લાગે છે. કારણ કે મેં સિંહોનો એ સમય નજીકથી જોયો છે. જયભિખ્ખુ મુખ્યત્વે સરસ્વતીના પૂજારી હતા ને એ માટે એમણે 40 વર્ષ સુધી સાધના અને પ્રવાસો કર્યા. તેમને ઇતિહાસ અને સંસ્કૃત વિષયમાં ઘણો રસ. ગ્વાલિયર પાસેના જૈન ગુરુકુળમાં અભ્યાસ કરીને તે એકવીસ વર્ષે અમદાવાદ આવ્યા ત્યારે તેમણે કલમના સહારે જ અર્થોપાર્જન કરવું એમ નક્કી કર્યું. એ સમયે ભિક્ષુસાયલાકર, વીરકુમાર અને જયભિખ્ખુ એમ ત્રણ નામે લેખ લખીને મોકલ્યા અને જયભિખ્ખુ નામથી લખેલ લેખનો જ પુરસ્કાર આવતા એ જયભિખ્ખુ નામ નક્કી કર્યું. તેમના જીવનમાં ચાર ‘ગ’ સાથે હંમેશા નાતો રહ્યો એ મુજબ ગૌરીશંકર (ધૂમકેતુ), ગુર્જર ગ્રંથ રત્ન, ગુજરાત સમાચાર અને ગુરુવાર. તેમણે જૈન સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. તેમણે 300 જેટલા પુસ્તકો લખ્યા. તેમનું જીવન દુઃખિયારાના આંસુ લૂછવાનું કામ કર્યું. તેમણે આખું જીવન ત્રણ નિયમ પાળીને વિતાવ્યું. ક્યાંય નોકરી ના કરવી, પૈતૃક સંપત્તિ ના લેવી અને કલમને આશ્રયે જીવવું. તેમના અંતિમ સંદેશમાં જણાવ્યું છે કે જિંદગી યાત્રા જેવી જીવવી એટલે કે સૌએ અગરબત્તી જેવું જીવન જીવવું. તેમના ઘેર કાગબાપુ, ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય જેવા મહાનુભાવોની અવરજવર રહેતી પરંતુ તેમની ગાઢ મિત્રતા તો ફક્ત ધીરુભાઈ ઠાકર સાથે જ રહી. લક્ષ્મી નહીં પણ સરસ્વતીની ઉપાસના કરનાર આ જયભિખ્ખુના લેખનમાં ઊંડો અભ્યાસ અને સંસ્કારિતા બંનેનો સમાવેશ રહેતો.
શ્રી સંધ્યા ભટ્ટે કહ્યું કે મૂલ્યનિષ્ઠ સર્જક જયભિખ્ખુએ એમના સાડા એકસઠ વર્ષના આયુષ્ય માં 294 પુસ્તકો આપ્યાં છે. જેમાં 17 નવલકથા, 22 નવલિકાસંગ્રહો, 24 ચરિત્રાત્મક પુસ્તકો, 44 બાળસાહિત્યનાં પુસ્તકો, સાત નાટકો, 16 સંપાદનો તથા પ્રકીર્ણ સાહિત્યનો સમાવેશ થાય છે. કલમ દ્વારા જ અર્થોપાર્જનના વ્રતને તેમણે બરાબર પાળ્યું અને તે પણ નિર્ભાર રહીને તેમણે સામાજિક, ઐતિહાસિક અને પ્રાગૈતિહાસિક નવલકથાઓ આપી. વાચકોને જકડી રાખે એવી રસ પ્રચુર શૈલીમાં તેઓ લખતા.આજે પણ તેમના વાચકોના હૈયામાં તેઓ વસ્યા છે.
શ્રી રમેશ તન્ના જણાવ્યું કે ‘જયભિખ્ખુ’નું પત્રકારત્વ માનવીય ગુણો અને સંવેદનાથી ભરેલું હતું. ઈંટ અને ઇમારત કૉલમ એ દિવસોમાં પ્રત્યેક ગુજરાતીના હૃદય સુધી પહોંચતી હતી. ગુજરાતી પત્રકારત્વને ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યરંગી બનાવ્યું તો ‘જયભિખ્ખુ’ એ પોતાની રંગદર્શી શૈલી દ્વારા પત્રકારત્વને વ્યક્તિ ઘડતર અને માનવ મૂલ્યોની હિફાજત કરવા માટેનું માધ્યમ બનાવ્યું હતું. પત્રકાર અને સાહિત્યકાર આદાન-પ્રદાન કરીને કેવી રીતે એકબીજાને માટે લાભદાયક બની શકે એ પણ ‘જયભિખ્ખુ’એ સિદ્ધ કર્યું હતું. સંપાદક તરીકે ‘જયભિખ્ખુ’એ વિવિધ સામયિકોના ઉત્તમ વિશેષાંકો સંપાદિત કર્યા હતા અને તેમાં અનેક નવોદિતોની કલમને પણ તક આપી હતી. તેમનું પત્રકારત્વ માત્ર પ્રાસંગિક ન રહેતાં ચિરંજીવ બન્યું હતું.