ગાધીનગર, 18 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત જાપાનના શિઝૂઓકા પ્રીફેક્ચરના ૧૮ સભ્યોના ડેલિગેશને બુધવાર એ ગાંધીનગરમાં લીધી હતી.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર એસેમ્બલીના સભ્ય અને ત્યાંની એસેમ્બલીના ઇન્ડીયા-જાપાન ફ્રેન્ડશીપ પાર્લામેન્ટ લીગના સેક્રેટરી જનરલ આત્સુયુકી રાચીના નેતૃત્વમાં આ ડેલિગેશન ગુજરાતની મૂલાકાતે આવેલું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથેની આ સૌજન્ય મૂલાકાત બેઠકમાં તેમણે ગુજરાત સાથે વાણિજ્યીક સંબંધો ઉપરાંત પીપલ ટુ પીપલ કનેક્ટ, શિક્ષણ અને સંશોધન તથા પ્રવાસન અને સાંસ્કૃતિક ક્ષેત્રે સંબંધોનો સેતુ લાંબા ગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે આગળ ધપાવવાની ઉત્સુકતા દર્શાવી હતી.
શિઝૂઓકા પ્રદેશ જાપાનમાં મેક ઇન જાપાન ઉધોગોમાં ચોથા ક્રમનું અગત્યનુ સ્થાન ધરાવે છે. એટલુ જ નહિ, સૂઝુકી, યામાહા, હોન્ડા અને ટોયટો જેવા ઓટોમોબાઇલ ઉધોગો શિઝૂઓકા પ્રદેશમાં વિશેષ મહત્વ ધરાવે છે તેની ભૂમિકા તેમણે આપી હતી.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ડેલિગેશનને આવકારતા કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લિડરશીપમાં ભારત-જાપાનના સંબંધો વિશ્વાસુ મિત્રદેશ તરીકે આગળ વધ્યા છે. ગુજરાત આ દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ ધપાવશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, જેમ ‘મેઇડ ઇન જાપાન’ની વિશ્વસનિયતા-ક્રેડીબિલીટી છે તેજ રીતે ઝિરો ડિફેક્ટ – ઝિરો ઇફેક્ટ મંત્ર સાથે પણ પર્યાવરણ અનુકૂલન અને વિશ્વકક્ષાના ઉત્પાદનો માટે ‘મેક ઇન ઇન્ડીયા’ પ્રતિબધ્ધ છે.મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં કાર્યરત જાપાનીઝ ઉધોગો માટે સાનુકૂળ વાતાવરણ પુરૂ પાડવાની નેમ દર્શાવતાં જણાવ્યુ કે, ઉધોગોને કોઇ સમસ્યા ન રહે અને ઇન્ડો-જાપાન બાય લેટરલ રિલેસન્સ સાતત્યપૂર્ણ રીતે આગળ વધતા રહે તે માટે સરકારનો અભિગમ પ્રોએક્ટીવ છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જાપાનના મળી રહેલા સહયોગ અને પાર્ટનર કન્ટ્રી તરીકે ના યોગદાનની પણ સરાહના કરી હતી.
ડેલિગેશનના વડા શ્રીયુત્ત આત્સુયુકી રાચીએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને જાપાનની અને તેમના પ્રદેશની મૂલાકાતે આવવાનું ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યુ હતુ. તેમણે ઉમેર્યુ કે, આગામી મહિનાઓમાં તેમના પ્રદેશના ગવર્નર પણ ભારત અને ગુજરાતની મૂલાકાતે આવવા ઉત્સુક છે. ગુજરાત-શિઝુઓકા સંબંધોનો સેતુ વધુ ફળદાયી બનાવવા માટે વેપાર, ઉધોગ ક્ષેત્રે MOU કરવાની તત્પરતા પણ તેમણે દર્શાવી હતી.
મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મૂલાકાત બેઠકમાં ગુજરાતમાં જાપાનના ઓનરરી કોન્સ્યુલ મુકેશ પટેલ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, ઊધોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એસ.જે. હૈદર, મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. શ્રી એ.બી. પંચાલ તેમજ ઇન્ડેક્ષ-બી ના એમ.ડી.શ્રી ગૌરાંગ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ડેલિગેશનના હેડ શ્રીયુત્ત આત્સુયુકી રાચીને કચ્છી હસ્તકલા કારીગરીની સ્મૃતિભેટ અર્પણ કરી હતી.