~ડિજિટલ યુગમાં યુવાઓમાં પત્રલેખનની પરંપરાને જીવંત રાખવી જરૂરી છે : કૃષ્ણકુમાર યાદવ
Amreli, Gujarat, May 15, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર ના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમરેલી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાના વિજેતાને સન્માનિત કર્યા.
આજના ઝડપી યુગમાં, જ્યાં સંદેશાવ્યવહાર મોટાભાગે ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળી ગયો છે, પત્ર લખવાની કળા હજુ પણ જીવંત છે. પત્રો આપણા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે કારણ કે તે પોતાની સાથે યાદો, આત્મીયતા અને એક વ્યક્તિગત સ્પર્શ લઈને જાય છે જે ટેક્સ્ટ સંદેશાઓ કે ઇમેઇલ્સમાં જોવા મળતો નથી.આમ, ‘ઢાઈ આખર’ ઝુંબેશ ફક્ત પત્ર લખવાની કળાનો ઉત્સવ નથી, પરંતુ દેશભરના વ્યક્તિઓને અર્થપૂર્ણ અને હૃદયસ્પર્શી રીતે તેમના વિચારો, લાગણીઓ અને મંતવ્યો વ્યક્ત કરવાની તક પણ પૂરી પાડે છે. ઉપરોક્ત વિચાર પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમરેલી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે વ્યક્ત કર્યા. ભારતીય ડાક વિભાગ દ્વારા વર્ષ 2024–25માં આયોજિત ‘ઢાઈ ખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધામાં લિફાફા શ્રેણીમાં 18 વર્ષથી વધુ ઉંમરના વર્ગમાં અમરેલીના જયકુમાર વાઈ. ગોલને સમગ્ર ગુજરાત પરિમંડલમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયા પર પોસ્ટમાસ્ટર જનરલે ₹10,000નો ચેક અને પ્રમાણપત્ર સાથે સન્માનિત કર્યા. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ., લાઠી ખાતે જુનિયર આસિસ્ટન્ટ તરીકે કાર્યરત શ્રી જયકુમારે પત્રલેખનને એક શોખ તરીકે અપનાવ્યું છે અને આ સન્માનના હકદાર બન્યા છે. આ અવસરે અમરેલી મંડળના અધિક્ષક શ્રી બી. એન. પટેલ હાજર રહ્યા.
ડાક વિભાગ દ્વારા ‘લેખનનો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્વ’ વિષય પર આયોજિત ‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધા 2024-25માં ગુજરાત પરિમંડલના અંતરદેશીય પત્ર શ્રેણી (18 વર્ષ સુધીના વર્ગ)માં સુરેન્દ્રનગરની વૈષણવીબા બી. પરમારે પ્રથમ, હીરલ આર. ભૂસડિયાએ દ્વિતીય અને નડિયાદની કિંજલ એલ. બારિયાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. 18 વર્ષથી ઉપરના વર્ગમાં નવસારીની દિવ્યા સુરેશચંદ્ર પરમારે પ્રથમ, અમદાવાદના સલીમ હિંગોરાએ દ્વિતીય અને નવસારીની સાજી જોય ચક્કલિકલએ તૃતીય સ્થાન મેળવ્યું. લિફાફા શ્રેણીમાં 18 વર્ષ સુધીના વય વર્ગના વિજેતાઓમાં ખેડાના ક્રિશા પી. કાછિયાપટેલ પ્રથમ, નવસારીની વિદ્યા પી. ધીમ્મર દ્વિતીય અને ખુશ્બુ એન. મિસ્ત્રીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. જયારે 18 વર્ષથી ઉપરની શ્રેણીમાં રાજકોટના સુરેન્દ્રસિંહ બૈરવાએ પ્રથમ, અમરેલીના જયકુમાર વાઈ. ગોલે દ્વિતીય અને ડાંગની વિભૂતિબેન જે. બિરારીએ તૃતીય સ્થાન મેળવ્યું. આ સ્પર્ધાનું આયોજન સમગ્ર દેશમાં 14 સપ્ટેમ્બર 2024થી 31 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવ્યું હતું.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે યુવાનોમાં ‘ઢાઈ આખર’ જેવી સ્પર્ધાઓ ડિજિટલ યુગમાં પણ પત્રલેખનની પરંપરાને જીવંત રાખે છે અને જનમાનસને આ ભાવનાત્મક માધ્યમ દ્વારા જોડે છે.
