રાજકોટ, 26 મે, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી કમનસીબ દુર્ઘટનાની જાત માહિતી મેળવવા રવિવારે વહેલી સવારે રાજકોટ પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્ય સરકારના વરીષ્ઠ અધિકારીઓ, શહેર તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે દુર્ઘટના સ્થળનું જાત નિરીક્ષણ કર્યું હતું.
સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રહેલા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ શનિવારની મોડી રાતે ઘટના સ્થળે પહોંચીને જે વિગતો મેળવી હતી, તેનાથી મુખ્યમંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.
મુખ્યમંત્રીએ રાજકોટમાં એઈમ્સ તથા અન્ય હોસ્પિટલ, જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે, તેની મુલાકાત લીધી હતી. ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીશ્રીએ તેમને અપાઈ રહેલી સારવારની વિગતો મેળવી હતી અને ખબર-અંતર પૂછ્યા હતા.
મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા નિર્દોષ વ્યક્તિઓના પરિવારોને મળીને હૃદયપૂર્વક સાંત્વના પાઠવી હતી અને શોકસંતપ્ત પરિવારોના દુઃખમાં સહભાગી થયા હતા. રાજ્ય સરકાર આ કપરી વેળાએ આપદગ્રસ્તોની પડખે ઊભી છે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના સંદર્ભમાં સ્થાનિક તંત્ર દ્વારા લેવાયેલા બચાવ, રાહતના પગલાં, ઈજાગ્રસ્તોની સારવારનો ત્વરિત પ્રબંધ, વગેરે અંગે રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રી એ આ સમગ્ર દુર્ઘટનાની તલસ્પર્શી તપાસ કરીને દુર્ઘટનામાં જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા પણ સ્પષ્ટ સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.
આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે આગની ઘટનાની ખબર મળતાં જ રાજકોટ મહાપાલિકાની ફાયર ટીમો અને પોલીસ તંત્રએ સ્થળ પર પહોંચી બચાવ-રાહતની કામગીરી ત્વરાએ હાથ ધરી હતી. ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવા તથા આ આગમાંથી લોકોને બચાવવાને અગ્રતા આપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ આગની ઘટનામાં મોટાપાયે બર્ન્સના કેસોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સારવાર માટે રાજકોટમાં પી.ડી.યુ. ખાતે 100 બેડની ક્ષમતાવાળો બર્ન્સ વોર્ડ ઊભો કરવામાં આવ્યો હતો.
એટલું જ નહીં, ઈજાગ્રસ્તોની સારવારમાં કોઈ કચાશ ન રહે તે માટે પી.ડી.યુ. રાજકોટ ખાતે અન્ય તબીબો તેમ જ પેરા મેડિકલને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બર્ન્સ ઈન્જરી સારવારના એક્સપર્ટ સર્જન અને ટ્રેઈન્ડ નર્સિસને જામનગર, અમદાવાદ, મોરબી, જુનાગઢ, ભાવનગરથી તાત્કાલિક રાજકોટ બોલાવી લેવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને ત્વરિત સઘન સારવાર વ્યવસ્થા મળી રહે તે માટે ટ્રાન્સપોર્ટેશન ઝડપી બનાવવા 20 જેટલી 108 એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ના દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારે એર એમ્બ્યુલન્સની સેવાઓ પણ આ દુર્ઘટનામાં લીધી છે અને તમામ મૃત દેહોની ઓળખ માટે તેમના ડી.એન.એ. સેમ્પલ અને પરિવારજનોના રેફરલ સેમ્પલ એર એમ્બ્યુલન્સ દ્વારા ગાંધીનગર એફ.એસ.એલ.માં પહોંચાડવામાં આવ્યા છે, તેનું પરીક્ષણ યુદ્ધના ધોરણે ચાલુ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર ઘટનાના કારણોની તપાસ માટે રચેલી એસ.આઈ.ટી.ના વડા અધિક પોલીસ મહાનિદેશક શ્રી સુભાષ ત્રિવેદી અને સભ્યો પણ શનિવારે મોડી રાત્રે જ રાજકોટ પહોંચ્યા હતા તથા ઘટનાના કારણોની તપાસ કરી તેનો પ્રાથમિક અહેવાલ ત્રણ દિવસમાં રાજ્ય સરકારને સોંપશે.
રાજકોટ શહેર પોલીસ તંત્રએ અગમચેતીનાં પગલાં રૂપે શહેરના તમામ ગેમઝોન બંધ કરવાનો આદેશ કર્યો છે, તેમ જ ફાયર સેફ્ટી સહિતના સલામતી પગલાંઓની ચકાસણી કરવામાં આવી રહી છે, તેમ પણ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીને જણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ મહાનગરપાલિકાઓ, સમગ્ર રાજ્યમાં ચાલતા ગેમઝોનની તપાસ અને સુરક્ષા-સલામતિના પગલાંઓ ચકાસવા માટે આદેશો આપવામાં આવ્યા છે.
તદઅનુસાર, આવી ચકાસણી માટે પોલીસ, રેવન્યુ, ફાયર સેફ્ટી, મહાનગરપાલિકા-નગરપાલિકાના ઈજનેરની ટીમ બનાવવામાં આવી છે.
આ ટીમોએ પણ કામગીરી શરૂ કરી છે અને પોતાના વિસ્તારોમાં તાત્કાલિક ચકાસણી કરીને ફાયર એન.ઓ.સી. કે અન્ય કોઈ પણ સંબંધિત પરવાનગી વિના ચાલતા ગેમઝોન સામે તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરીને ઝોન બંધ કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ સમગ્ર મુલાકાતમાં રાજકોટ શહેરના ધારાસભ્યો, પદાધિકારીઓ તથા શહેર અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા.