Spread the love

ગાંધીનગર, 08 જુલાઈ, રિન્યુએબલ એનર્જી પોલિસીને વધુ વેગ આપવા ગુજરાતના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ‘અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ’નું ગાંધીનગર ખાતેથી અનાવરણ કરવામાં આવ્યું છે
સરકારી સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી, 2023 અંતર્ગત ગુજરાત સરકારના ઊર્જા વિભાગ દ્વારા અનેક પહેલો કરવામાં આવી છે. રિન્યુએબલ એનર્જી પોલિસીને વધુ વેગ આપવા ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ‘અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ’નું ગાંધીનગર ખાતેથી અનાવરણ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમીટેડ (GUVNL) દ્વારા બનાવવામાં આવ્યું છે.
‘અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ’મારફતે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટસ માટે મંજૂરીની પ્રક્રિયા સરળ બનશે. આ પોર્ટલ એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ છે જેનાથી રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટના ઝડપી અને વધુ કાર્યક્ષમ ઉપયોગની સુવિધા મળશે. આ પોર્ટલનો ઉદ્દેશ રોકાણકારો અને હિતધારકો માટે ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપતા પ્રોજેક્ટસની મંજૂરીઓને ઝડપી બનાવવાનો છે.
‘અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ’ના અનાવરણ પહેલા GEDA, GETCO, DISCOM,CEI, SLDS અને EPD જેવી અલગ વેબસાઈટથી અરજીની પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ પોર્ટલના માધ્યમથી પ્રોજેક્ટની અરજીની પ્રક્રિયા વધુ સરળ બનશે. આ ઉપરાંત રોકાણકારો અને હિતધારકોએ તમામ ડોક્યુમેન્ટ્સ પણ એક જ પોર્ટલ પર એક જ વાર અપલોડ કરવાના રહેશે તથા રજીસ્ટ્રેશન ફી પણ એક જ વાર ભરવાની રહેશે. આ ઉપરાંત મંત્રીશ્રી ના હસ્તે જીયુવીએનએલ અને સંલગ્ન કંપનીઓના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં GUVNLના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરે, GEDAના મેનેજિંગ ડિરેક્ટર અજય પ્રકાશ, GUVNLના ડિરેક્ટર તેજસ પરમાર તથા કમલેશ જાંગિડ, GETCOના મેનેજિંગ ડિરેક્ટર ઉપેન્દ્ર પાંડે તથા ઊર્જા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.