Spread the love

ગાંધીનગર,02 જૂન, “નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયા” અંતર્ગત રવિવારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના એન્ટ્રી પોઇન્ટસ ની સફાઈ કરવામાં આવી.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, એન્ટ્રી પોઇન્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો પર સ્વચ્છતા સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા અને સ્વચ્છતા પહેલમાં NGO તથા સ્થાનિક સમુદાયોને સામેલ કરવા તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન -ગુજરાત દ્વારા તારીખ 1 જૂન થી તા. 15 જૂન 2024 દરમિયાન નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે.
જેના ભાગરૂપે આજે રવિવારના દિવસે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના એન્ટ્રી પોઇન્ટની સફાઈ કરવામાં આવી. જેમાં પેથાપુર મહુડી રોડની સફાઈમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી જે એન વાઘેલા, રેડ ક્રોસ સોસાયટીના ચેરમેનશ્રી, કૈલાશધામ વૃદ્ધાશ્રમનાં રહીશો અને ઉમ્મીદ ફાઉન્ડેશનના સભ્યો સફાઈ અભિયાનમાં જોડાયા હતા.
સાથે જ શહેરના અન્ય એન્ટ્રી પોઇન્ટ જેવા કે, લેકાવાડા ચોકડી, ભાટ ટોલનાકા, પીડીપીયુ રોડ, ઝુંડાલ ખાતે પુના બ્રિજ, અડાલજ શનિદેવ મંદિર રોડ તેમજ અડાલજ ત્રિમંદિર રોડ ખાતે પણ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. જેમાં સ્થાનિક આગેવાનો, વેપારી મિત્રો, ટોલ પ્લાઝા ના કર્મચારીઓ, નાગરિકો સાથે ગાંધીનગર મહાનગરપાલિકાના મદદનીશ મ્યુનિસિપલ કમિશનર, મદદનીશ નિયામક સેનીટેશન, સેનિટેશન સુપ્રિટેન્ડન્ટ, ઝોનલ ઓફિસર અને સેનીટેશન સ્ટાફ પણ સફાઈ અભિયાનને સફળ બનાવવા માટે જોડાયા હતા.