Spread the love

અમદાવાદ, 23 જૂન,’પાક્ષિકી’ અંતર્ગત  વાર્તાકાર રાધિકા પટેલ દ્વારા  એમની વાર્તા  ‘ગર્ભગોળો’નું પઠન કરવામાં આવ્યું હતું.
સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત  વાર્તાકાર રાધિકા પટેલ દ્વારા  એમની વાર્તા  ‘ગર્ભગોળો’નું પઠન શનિવારના રોજ કરવામાં આવ્યું હતું.
વાર્તા નાયિકા નીલમને આવેલાં એક સ્વપ્નથી ઉઘાડ પામે છે. નાયિકા માછલીઓ ભરેલા પાણીના ઘડાને માથા પર મૂકી ઝાડી ઝાંખરાંવાળા રસ્તે નદીએ જવા નીકળે છે. રસ્તામાં લપસી જતાં ઘડો ફૂટી જાય છે. વેરાયેલી માછલીઓના તરફડાટ સાથે નાયિકા પણ ચીસ પાડી જાગી જાય છે.


સાત મહિનાની પ્રેગ્નન્સી ધરાવતી નીલમને તેનો‌ પતિ નિહાર હૂંફ આપી સંભાળી લે છે. પ્રેગ્નન્સીની જાણ થયા પછીથી જ આવું થાય છે. નીલમ વારંવાર એબોર્શન માટે જીદ કરે છે. મનોચિકિત્સકની સલાહ પણ લેવામાં આવે છે. પરંતુ ડોક્ટર પણ એના આ ફોબિયાને સમજી શકતા નથી. પતિ નિહાર અને સાસુ રીટાબેનની સતત કાળજી અને સમજાવટથી સીમંત વિધિ પણ થાય છે, પણ નીલમની સ્થિતિમાં બહુ ફેર પડતો નથી.
સીમંત પછી પણ નીલમ પિયરમાં જવાને બદલે પતિ સાથે જ રહે છે. પોતાના નાના ભાઈ પ્રત્યે પણ તે યોગ્ય વર્તન કરતી નથી. એ એવું પણ બોલી જાય છે કે શિવમ્ એનો સગો ભાઈ નથી.
સમય વીતતો જાય છે. નવમો મહિનો બેસી ગયો છે. એ જ સમયે નીલમનો જન્મદિવસ આવે છે. નિહાર ખૂબ આનંદપૂર્વક એની ઉજવણી કરે છે. પોતાના મિત્રનાં ઘરે પણ બંને જાય છે. નીલમ ખુશ છે. એ દરમિયાન મિત્રના ઘરે એક બાળકને પગથિયાં ચડતું નીલમ જુએ છે. અહીંથી વાર્તામાં ફ્લેશબેક અને વર્તમાન વચ્ચેની સફર શરૂ થાય છે. પંદર વર્ષ પહેલાંની નીલમ પોતાના નાના ભાઈને લઈને સીડી ઉતરતી દેખાય છે. ભાઈ હાથમાંથી છટકી જાય છે અને મૃત્યુ પામે છે. પછી તો અનેક ધુત્કાર સહન કરતી નાયિકા!


ફરી વર્તમાનમાં પગથિયાં પર રહેલું બાળક, નીલમનું એને બચાવવું અને ફરી પોતાના બાળકના જન્મ સુધીની આ સફર વાર્તાનાં અંત સુધીમાં નાયિકાના ભયને ઉજાગર કરતાં કરતાં શરૂઆતમાં મૂકેલ રૂપક સાથે અનુસંધાન પામી વીરમે છે. ખાલી થઈ ગયેલો ઘડો નદીના જળમાં તરતો દેખાય છે અને માછલીઓ રમતે ચડી છે!નાયિકાના મનમાં ઘર કરી ગયેલા ભય અને બાળકના જન્મ સાથે જ થતા એ ભયના નિરસનની આ વાર્તા છે. આ કાર્યશાળામાં પ્રફુલ્લભાઈ રાવલ અને કિરીટભાઈ દૂધાતની વિશેષ ઉપસ્થિતમાં દીનાબેન પંડ્યા, ચેતન શુક્લ, ચિરાગ ઠક્કર, મનહર ઓઝા, સંતોષ કરોડે, મુકુલ દવે, ડો.‌હર્ષદ લશ્કરી, અર્ચિતા પંડ્યા, ઉર્વશી શાહ, પૂર્વી શાહ, રાહુલ પટેલ, આર.બી.વાણી, રાજકોટથી આઇ‌જી. ઝાલા તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.