નવી દિલ્હી, 06 જૂન, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે’ભારતમાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિની આવશ્યકતા છે.’
શ્રી દેવવ્રતએ આગળ કહ્યું કે ‘તો જ દેશની બંજર ભૂમિ પુનઃ ઉપજાઉ બનશે. તો જ રાષ્ટ્રના નાગરિકો ગંભીર બીમારીઓથી બચીને વિકસિત ભારત માટે પોતાનું યોગદાન આપી શકશે.’
સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ-ICAR દ્વારા પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ભારતમાં થઈ રહેલી કામગીરી, સંશોધનો અને ભવિષ્યના આયોજન વિશે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા સહુના સહિયારા પ્રયત્નોની આવશ્યકતા છે. ભારતના ખેડૂતોને તેમના ખેતરમાં જઈને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશેની સાચી વૈજ્ઞાનિક સમજણ આપવી પડશે. તેમણે કહ્યું કે, જેમ જેમ ખેડૂતો તાલીમ લઈ રહ્યા છે તેમ તેમ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે. ગુજરાતમાં નવ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.
શ્રી આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક ખેતી (નેચરલ ફાર્મિંગ) અને જૈવિક ખેતી (ઓર્ગેનિક ફાર્મિંગ) વચ્ચેનો ભેદ વધુ સ્પષ્ટતાપૂર્વક સમજાવવાની આવશ્યકતા પર ભાર મુકતાં કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના નામે થતી ઓર્ગેનિક ખેતી અને રાસાયણિક ખેતી નુકસાનકારક છે. તેમણે ઓર્ગેનિક ખેતી અને રાસાયણિક ખેતીથી થતા નુકસાન અંગે વિગતવાર સમજણ આપી હતી.
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની આ વિશેષ બેઠકમાં મહાનિદેશક ડૉ. હિમાંશુ પાઠક, ઉપ મહાનિદેશક ડૉ. એસ. કે. ચૌધરી, ડૉ. આર. સી. અગ્રવાલ, ડૉ. યુ. એસ. ગૌતમ, ઉપરાંત કૃષિ વિશેષજ્ઞ, કૃષિ વૈજ્ઞાનિકો ડૉ. રાજેશ્વર સિંહ ચંદેલ, ડૉ.બલજીત સહારન, કૃષિ વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે કામ કરતા તજજ્ઞોએ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા વ્યાપક વિચાર-વિમર્શં કર્યો હતો.