ગાંધીનગર, 20 મે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી. આ ૮ અધિકારીઓમાં ૭ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમણે સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન-સ્પીપા માંથી ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેનિંગ પૂર્ણ કરી છે.
આ પ્રોબેશનરી અધિકારીઓની રાજ્યના બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, પંચમહાલ અને વલસાડ તથા નર્મદા તેમજ નવસારી જિલ્લાઓમાં ફિલ્ડ તાલીમ માટે સુપર ન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફાળવણી કરવામાં આવેલી છે.
મુખ્યમંત્રી શ્રી પટેલે આ પ્રોબેશનરી અધિકારીઓને ગુજરાતમાં ઉચ્ચ પદ પર સેવારત થવાની મળેલી તક દ્વારા સદકર્મ અને સેવાકાર્યની સુવાસથી લોકોના હૃદયમાં સ્થાન મેળવવા અનુરોધ કર્યો હતો. એમને મળેલા આ પ્રોબેશનરી IAS અધિકારીઓએ પોતાના પરિચય અને શૈક્ષણિક કારકિર્દીની વિગતો તથા તાલીમ દરમિયાનના અનુભવોથી મુખ્યમંત્રી ને વાકેફ કર્યા હતા.
આ સૌજન્ય મુલાકાત વેળાએ સ્પીપાના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ શાહિદ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સ્પીપાના નાયબ મહાનિયામક વિજય ખરાડી અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.