અમદાવાદ, 01 જૂન, યુ.એન.એમ ફાઉન્ડેશન અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે જરૂરિયાતમંદ દર્દીઓ માટે સંપૂર્ણ નિ:શુલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની જાહેરાત કરી છે.
યુ.એન.એમ ફાઉન્ડેશનએ આજે જણાવ્યું કે દરેક વ્યક્તિનું જીવન મહત્વનું છે. આ ફિલસૂફી મુજબ, યુ.એન.એમ ફાઉન્ડેશન (ટોરેન્ટ ગ્રુપના સ્થાપક શ્રી યુ.એન. મહેતાના નામ પરથી) અને યુ. એન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે (યુ.એન.એમ.આઇ.સી.આર.સી, અમદાવાદ) જરૂરિયાતમંદ દર્દીઓને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે નાણાંકીય સહાય પુરી પાડવા એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમ.ઓ.યુ.) કર્યો છે.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સર્જરી અને સર્જરી પછીની સારસંભાળ ખુબ જ ખર્ચાળ છે જે સામાન્ય રીતે નબળી આર્થિક સ્થિતિનાં લોકો માટે તો અશક્ય બાબત છે. દેશમાં થયેલ આ પ્રકારના આ પ્રથમ સહયોગનો હેતું એ છે કે એડવાન્સ હાર્ટ ફેલિયરની ગંભીર બીમારીમાં વિનાશક પડકાર ભોગવી રહેલા આર્થિક રીતે નબળા પરિવારોનો નાણાંકીય બોજ ઘટે.
એમ.ઓ. યુ ની શરતો અંતર્ગત, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનાં જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક સારવાર મળે તે માટે યુ.એન.એમ. ફાઉન્ડેશન યુ.એન.એમ.આઇ.સી.આર.સીને સંપૂર્ણ નાણાંકીય ટેકો પુરો પાડશે. એડવાન્સ હાર્ટ ફેલિયરથી પીડાતા દર્દીઓ, જેને ગાઇડલાઇન મુજબ તબીબી સેવાનો પ્રતિભાવ ન મળ્યો હોય અને જેમની પાસે જરૂરી સારવાર માટે આર્થિક સાધનોનો અભાવ હોય તેમને આ નાણાંકીય સહાય મળવાપાત્ર હશે. યુ.એન.એમ. ફાઉન્ડેશન સમગ્ર પ્રક્રિયાના ખર્ચને આવરી લેશે – જેમાં મુખ્યત્વે ઓપરેશન પુર્વે મૂલ્યાંકન, દાતાનાં હૃદયનું પરિવહન (જ્યાં જરૂરી હોય ત્યાં એર એમ્બ્યુલન્સ સહિત), હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી, ઓપરેશન બાદ 3 સપ્તાહ સુધી હોસ્પિટલમાં સારવાર, સર્જરી બાદનાં તબીબી ઉપકરણોનો ઉપયોગ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ એક વર્ષ સુધીની દવાનો તેમાં સમાવેશ થાય છે.
આ પ્રસંગે યુ.એન.એમ.આઈ.સી.આર.સી.નાં નિયામક ડૉ. ચિરાગ દોશીએ જણાવ્યું હતું કે, “યુ.એન.એમ. ફાઉન્ડેશનની આ અનોખી પહેલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા અગણિત પરિવારો માટે આશાનું કિરણ છે. સંકલિત નાણાંકીય સહાય પુરી પાડીને, અમે માત્ર જીવન જ નથી બચાવી રહ્યાં પરંતુ, એ પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે જેમને તેની સૌથી વધુ જરૂર છે તેમને ઉચ્ચતમ ગુણવત્તાની તબીબી સારસંભાળ પ્રાપ્ય થાય.”
કાર્ડિયાક કેર(હૃદયની સંભાળ)માં અગ્રણી, યુ.એન.એમ.આઇ.સી.આર.સી.એ અત્યાર સુધીમાં 27 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. જેમાં 4 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના કેસમાં દાતાનાં હૃદયને ચાર્ટર્ડ ફ્લાઇટ્સ મારફતે લાવવામાં આવ્યું હતું, તે જીવન બચાવવા માટે લોજિસ્ટિકલ પડકારોનો સામનો કરવા માટે સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
યુ.એન.એમ.આઈ.સી.આર.સી. દર્દીની પાત્રતાનાં માપદંડોની જાહેરાત કરશે. આ પહેલ 1 જૂન, 2024થી પાંચ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે અમલમાં મૂકવામાં આવશે. આ સહયોગથી તબીબી સેવામાં પરોપકારવૃત્તિ અને દર્દી સારસંભાળમાં એક નવું ધોરણ સ્થાપિત થવાની અપેક્ષા છે, જે અદ્યતન તબીબી સારવાર અને નાણાંકીય પ્રાપ્યતા વચ્ચેના અંતરને દૂર કરવાની ભવિષ્યની આવા પ્રકારની પહેલો ને રાહ બતાવશે.