રાજકોટ, ૨૫ મે, રાજકોટ શહેરમાં ગેમીંગ ઝોનમાં આકસ્મિક આગ લાગતા બાળકો સહિત કુલ ૨૪ લોકો ના દુ:ખદ મોત થયા છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે રાજકોટ શહેરના નાનામવા મેઇન રોડ પર સયાજી હોટલ પાસે આવેલ ટી.આર.પી. મોલ ખાતેના ગેમીંગ ઝોનમાં આકસ્મિક આગ લાગતા બાળકો સહિત કુલ ૨૪ જેટલા વ્યકિતઓનું દુ:ખદ મૃત્યુ થવા પામેલ છે. વિચારણાને અંતે આ ગંભીર બનાવના સંબંધમાં સરકારે ઉચ્ચકક્ષાની તપાસ માટે નીચે પ્રમાણે ખાસ તપાસ દળની રચના કરવાનો નિર્ણય કરેલ છે.
સુભાષ ત્રિવેદી, અધિક પોલીસ મહાનિદેશક- સી.આઇ.ડી. ક્રાઇમ અધ્યક્ષ અને સભ્યો બંછાનિધિ પાની, કમિશ્નર ટેકનિકલ એજ્યુકેશન, ગાંધીનગર, એચ.પી. સંઘવી, ડાયરેકટર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર, જે. એન. ખડીયા, ચીફ ફાયર ઓફીસર, અમદાવાદ,એમ.બી. દેસાઇ, સુપ્રિટેન્ડીંગ એન્જીનિયર, કવોલીટી કંટ્રોલ, માર્ગ અને મકાન વિભાગ નું ખાસ તપાસ દળ આ બનાવ સંદર્ભમાં નીચેના મુદ્દાઓ પરત્વે તપાસ કરીને તે અંગેનો પ્રાથમિક અહેવાલ ૭૨ કલાકમાં સરકાર ને રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ ખાસ તપાસ દળે તમામ પાસાનો અભ્યાસ કરી વિગતવાર અહેવાલ દિન-૧૦માં સરકારને રજૂ કરવાનો રહેશે.
કયા સંજોગોમાં અને કયા કારણોસર આગનો બનાવ બનવા પામેલ છે. ગેમીંગ ઝોનની મંજુરી આપવામાં આવેલ છે કે કેમ.
ગેમીંગ ઝોનની મંજુરી આપતી વખતે કઇ-કઇ બાબતો ધ્યાને લેવામાં આવેલ હતી, ગેમીંગ ઝોનના બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજુરી મેળવવામાં આવેલ હતી કે કેમ તેમજ બાંધકામ નિયમાનુસાર કરવામાં આવેલ કે કેમ, આ સંબંધમાં ફાયર વિભાગની એન.ઓ.સી. મેળવવામાં આવેલ હતી કે કેમ, ગેમીંગ ઝોનમાં આસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શુ વ્યવસ્થા કરવામાં આવેલ હતી, ગેમીંગ ઝોનમાં ઇમરજન્સી એક્ઝીટ માટે શુ વ્યવસ્થા હતી, આ બનાવ સંબંધમાં સ્થાનિક તંત્ર અને ગેમીંગ ઝોનના સંચાલક તેમજ અન્ય કોઇ ઇજારદારની નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ અને ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે તે માટેના નિવારક પગલાંઓ.
તપાસ સંબંધમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, સ્થાનિક સ્વરાજયની સંસ્થા તેમજ અન્ય સંબંધીત એજન્સીઓએ ખાસ તપાસ દળને પૂરતો સહયોગ આપવાનો રહેશે તેમજ જરૂરી વિગતો/દસ્તાવેજો તાત્કાલિક ધોરણે પૂરા પાડવાના રહેશે.
ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘X’પર પોસ્ટ કરીને લખ્યું કે રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે.
એમણે લખ્યું કે આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં સર્જાયેલી આગની ઘટના સંદર્ભમાં મારી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઘટનાની વિગતો જાણી હતી અને આ અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ આ દુઘર્ટનાની સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે.
રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.