સરકારી સૂત્રો એ જણાવ્યું કે લૂ થી બચવા આટલું કરો:
રેડિયો સાંભળો, ટી.વી. જૂઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાંથી માહિતી મેળવો. તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું.
વાઈ, હૃદય, કીડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરવો. વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા. જો તમે ઘર ની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન-ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો.
લૂ લાગવાની સૌથી વધુ સંભાવના છે તેવા બાળક, સગર્ભા, વૃદ્ધ, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિની વિશેષ કાળજી લેવી.
કામદાર અને નોકરીદાતાઓએ આટલું ધ્યાન રાખવું:
કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુધ્ધ પાણી, છાશ, ORS, પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી. કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળવી તેમજ વધુ મહેનત લાગે તેવું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવું.
બહારની પ્રવૃત્તિઓ માટે વિશ્રાંતી સમય અને તેની સંખ્યા વધારવી. જે કામદાર વધુ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલ નથી તેમને હળવું તેમજ ઓછી અવધી માટે કામ આપવું. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપવું. કામદારો ને હીટ વેવ એલેર્ટ વિશે માહિતગાર કરી, શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહી, ઘરગથ્થુ ઉપાય કરવા. જેવા કે કાચી કેરી સાથે ડુંગળીનું ધાણાજીરુ નાખેલું કચુંબર લૂ લાગવાની શક્યતા ઘટાડી શકે છે. પંખાનો ઉપયોગ કરવો અને ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા.
કાર્યાલય કે રહેઠાણના સ્થળે આવતાં ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવવું. કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરો, જેથી ગ્લોબલ વોર્મીંગ અને ગરમીનું પ્રમાણ ઘદડી શકાય. સૂકા પાંદડા, ખેતીનો કે અન્ય કચરો બાળવો નહીં. પાણીનાં સ્ત્રોતનું રક્ષણ કરવું અને વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા કરવી. ઊર્જા કાર્યદક્ષ સાધનો, શુદ્ધ બળતણ અને ઊર્જાના વૈકલ્પીક સ્ત્રોતનો ઉપયોગ કરવો. જો ચક્કર આવતા હોય કે બીમાર હોવ તો તરત જ તબીબી સલાહ લો અથવા ઘરના કોઇપણ સદસ્યને જાણ કરો.
ઘરને ઠંડુ રાખવા માટે આટલું કરો:
ઘરની દીવાલોને સફેદ રંગથી રંગવી. ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે કૂલ રુફ ટેકનોલોજી, હવાની અવર-જવર માટે ક્રોસ વૅટીલેશન અને થર્મો કૂલ ઇન્સુલેશનનો ઉપયોગ કરવો. સૂકા ઘાંસની ગંજી છત ઉપર રાખવી અથવા છત ઉપર શાકભાજી પણ ઉગાડી શકાય. ઘરની બારીઓ ઉપર સૂર્યપ્રકાશને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનીયમ ફોઇલ કવર વાળા પૂંઠા લગાવવા અથવા ઘેરા રંગના પડદા બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત ૧ જ બારી ખોલો. બને ત્યા સુધી નીચેના માળ ઉપર રહો.
લીલા રંગના છાપરા મકાનને કુદરતી ઠંડુ રાખે છે અને એયર કંડીશનરનો ઉપયોગ ઘટાડે છે. એયર કંડીશનરનું તાપમાન ૨૪ ડીગ્રી કે તેનાથી વધુ રાખો, જેથી વિજળીનું બીલ ઓછુ આવે અને સાથે સ્વસ્થતાનું પણ ધ્યાન રાખી શકાય. નવા ઘરના બાંધકામ વખતે રાબેતા મુજબની દીવાલને બદલે છીદ્રાળુ દીવાલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો. જાડી દીવાલનું ચણતર કરવું, જે ઘરને અંદરથી ઠંડુ રાખશે. નીચેથી જાળીદાર દીવાલ ચણતર કરો કે જે ગરમીને અટકાવે અને વધુ હવાને પરસ્પર થવા દેશે. દીવાલને રંગવા માટે ચૂનો અથવા કાદવ જેવા કૂદરતી સામગ્રીનો ઉપયોગ કરો.
લૂ લાગે તો આ સારવાર કરો:
ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા લૂ લાગી હોય તે વ્યક્તિના માથા પર પાણી રેડવું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ અથવા લીંબુ સરબત જેવું ઠંડુ પ્રવાહી આપવું. વ્યક્તીને તાત્કાલીક નજીકના સ્વાસ્થય કેન્દ્ર ઉપર લઇ જવા. જો શરીરનું તાપમાન એકધારુ વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, ચક્કર આવતા હોય, નબળાઈ હોય, ઊલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલસ બોલાવવી.
આટલું ન કરો:
બપોરના સમયે તડકામાં જવાનું ટાળવું. ના છૂટકે બપોરના સમયે બહાર જવાનું થાય તો શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી. ખુલ્લા પગે બહાર ન જવું. આવા સમયે રસોઇ ન કરો, બને તો રસોઈ વહેલા કરી લેવી. રસોડામાં હવાની અવર-જવર માટે બારી અને બારણા ખુલ્લા રાખવા. શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે શરાબ, ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ લેવાનું ટાળો. પ્રોટીનની વધુ માત્રા વાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહારને ત્યજો. આ ઉપરાંત પાર્ક કરેલા વાહનમાં પાળતુ પ્રાણી કે બાળકોને એકલા ન રાખો. વધારે પડતી રોશની વાળા વિજળીના બલ્બનો ઉપયોગ ટાળો અને જરૂર ના હોય તો કોમ્પ્યુટર કે બીજા ઊપકરણને બંધ રાખો.
****
પશુઓને છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું પાણી પુરતા પ્રમાણમાં આપો, તેમની પાસેથી સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લો
*****
ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતાં પશુપક્ષીઓને લૂથી બચાવવા તથા પશુપાલકો તેમજ ખેડૂતો પાકના રક્ષણ કરવા માટે કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. ખેડૂતોએ ઉભા પાકને હળવુ તેમજ વારવાર સિંચન કરવું જોઈએ. પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો. નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો. વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટવેવ કે ફુંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિક્લરથી સિંચાઈ કરો.
પશુઓને છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું પાણી પુરતા પ્રમાણમાં આપો. તેમની પાસેથી સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લો. પશુઓના રહેઠાણનું તાપમાન ઓછું કરવા માટે તેના છતને ઘાસની ગંજીથી ઢાંકો, અથવા સફેદ રંગથી રંગો. પશુ રહેઠાણમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો, વધુ ગરમી હોય તેવા સંજોગોમાં પશુઓ ઉપર પાણીનો છંટકાવ કરો અથવા પશુઓને પૂરતું પાણી મળી રહે તેની વ્યવસ્થા કરો. આહારમાં પશુઓને લીલો ચારો વધુ માત્રામાં આપો. પૌષ્ટિક, સુપાચ્ય અને સંતુલિત આહાર આપો. પશુ આહારમાં ખનીજદ્ર્વ્ય (મિનરલ મિક્ષ્ચર)નો સમાવેશ કરો. સવાર અને સાંજના સમયે જ્યારે બહુ ગરમી ન પડતી હોય એ સમયે ચરાવવા લઈ જાઓ. મરઘા ઉછેર કેંદ્રમાં પડદા લગાવો અને હવા ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો.