ભાવનગર, 23 જૂન, પશ્ચિમ રેલવેના ગુજરાત માં ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા બે સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા હતા.
સીનિયર ડીસીએમ માશૂક અહમદે આજે જણાવ્યું કે 22 જૂન, શનિવાર ના રોજ, ટ્રેન નંબર 09540 જૂનાગઢ-અમરેલી મીટરગેજ પેસેન્જર ટ્રેનના લોકો પાયલોટે કિ.મી. 43/6-7, ચલાલા-ધારી સેક્શન વચ્ચે બે સિંહોને રેલ્વે ટ્રેક ઓળંગતા જોયા ત્યારે તેમણે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને અટકાવી હતી, જેના કારણે બંને સિંહોના જીવ બચી ગયા હતા. સિંહોએ પાટા ઓળંગ્યા બાદ ટ્રેનને લોકો પાયલોટ દ્વારા ગંતવ્ય સ્ટેશન તરફ લઈ જવામાં આવી હતી. આ માહિતી લોકો પાયલોટે ટ્રેન મેનેજર અને ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને આપી હતી.
માહિતી મળતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલટ રમેશ પી. ના આ પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરે છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે.