Spread the love

અમદાવાદ, 07 જુલાઇ, ગુજરાત ના અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી કડવા પાટીદાર સમાજના અદ્યતન સુવિધાઓથી સજ્જ અમીન પી.જે. કે.પી. વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  
આ પ્રસંગે શ્રી શાહે કડવા પાટીદાર સમાજને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આજે રથયાત્રાના શુભ દિવસે અમદાવાદના હૃદય સમા વિસ્તારમાં અત્યાધુનિક સુવિધાવાળા છાત્રાલય સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે કોઈપણ સંસ્થા પાંચ-દસ વર્ષ પૂરાં કરે તો પણ તેને સફળ ગણાવામાં આવે છે, પરંતુ કડવા પાટીદાર સમાજની આ સંસ્થા સો વર્ષ પૂરા કરવા આવી છે, એ આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે. તેમણે સંસ્થાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આ વિદ્યાર્થી ભવનના ભૂમિપૂજન સમયે હું નહોતો આવી શક્યો, પરંતુ આજે તમે મને બોલાવી મારા મનની ઈચ્છા પૂરી કરી છે.
અમીન પી.જે. કે.પી. વિદ્યાર્થી ભવન કેમ્પસના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણની જ્યોત ગામેગામ પ્રગટાવી છે. છેલ્લા બે દાયકાથી ચાલતા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને કારણે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ઘણો સારો વિકાસ સધાયો છે. શિક્ષણ એ ભવિષ્યનો પાયો છે અને બાળક એ દેશની આવતી કાલ છે. બાળકોને સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. શિક્ષણ વિકાસનો પાયો છે. દેશની આવતી કાલને બુલંદ કરવા માટે શિક્ષણને મજબૂત કરવા સરકાર સતત પ્રયાસરત છે, એવું તેમણે ઉમેર્યું હતું.