અમદાવાદ, 03 જુલાઈ, ગુજરાતમાં અમદાવાદ શહેરનાં સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક, ઐતિહાસિક તથા પારંપરિક દિવ્ય ૧૪૭મી રથયાત્રા ૦૭ જુલાઈને રવિવારે નીકળશે.
શ્રી જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ આજે જણાવ્યું કે રથયાત્રાની પરંપરા મુજબ બધા જ શ્રધાળુ લોકો ૧૪૭મી રથયાત્રા મહોત્સવમાં હર્ષોલ્લાસથી ભાગ લઇ પ્રેમ ભકિત, સદભાવના, ભાઈચારાથી લોકોત્સવ તરીકે ઉજવે છે.
શહેરના પોલિસ કમિશ્નરએ ટ્રસ્ટ કમીટીની અરજીને ધ્યાનમાં લઇ રથયાત્રાની પરવાનગી આપી છે. રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે. જેના અગ્રભાગમાં ૧૮ શણગારેલા ગજરાજો, ત્યાર પછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ સાથે ૩ બેન્ડવાજાવાળા રહેશે. સાધુસંતો, ભકતો સાથે ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા ખલાસી ભાઈઓ રથ ખેચંતા રહેશે. દેશભરમાંથી ૨૦૦૦ જેટલા સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજજૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે ભાગ લેવા આવે છે.
૫રમ પુનિત, સાંસ્કૃતિક એવં ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની વિધિ જેને “પહિંદ” કહેવામાં આવે છે તે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વારા રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે. રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતી પછી આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
પ્રસાદની તૈયારીઓ : સમગ્ર રથયાત્રા દરમ્યાન ૩૦૦૦૦ કિલો મગ, ૫૦૦ કિલો જાંબુ, ૫૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા ૨ લાખ ઉપેર્ણા પ્રસાદમાં અપાશે.
રથયાત્રા પૂર્વે મંદિરમાં ખાસ કાર્યક્રમો: ૦૫ જુલાઈ શુક્રવારે સવારે ૦૮૦૦ વાગે ભગવાન શ્રી જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનું ગર્ભ ગૃહમાં રત્નવેદી ઉપર પ્રતિષ્ઠા તથા નેત્રોત્સવ પૂજા વિધિ, પછી વૈદિક મંત્રોચ્ચાર કરી ભગવાનના આંખે પાટો બાંધવાની વિધિ કરવામાં આવશે. સવારે ૦૯૩૦ વાગે ધ્વજારોહણવિધિ જેમા મુખ્ય અતિથિ ઋષિકેશભાઈ પટેલ, આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ, કાયદો અને ન્યાય મંત્રીશ્રી ઉપસ્થિત રહેશે. સવારે ૧૧૦૦ વાગે સંતોનુ સન્માન જેમાં મુખ્ય અતિથિ નિતીનભાઈ પટેલ-પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગુજરાત ઉપસ્થિત રહેશે.
તા. ૦૬/૭/૨૦૨૪ શનિવારે : સવારે ૧૦૦૦ વાગે : સોનાવેષના દર્શન અને ગજરાજપુજન. સવારે ૧૦૩૦ વાગે : મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પુજન વિધિ. બપોરે ૨-૩૦ વાગે : કોંગ્રેસ કમિટીની મુલાકાત.સાંજે – ૦૫૦૦ વાગે : શહેર શાન્તિ સમિતિની મુલાકાત. સાંજે – ૬:૩૦ વાગે : ભૂપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી, ગુજરાત રાજય દ્વારા વિશિષ્ટ પૂજા અને આરતી.
સાંજે ૦૮૦૦ વાગે : મહાઆરતી
૦૭ જુલાઈ રવિવાર :સવારે ૦૪૦૦ વાગે : મંગળા આરતી જેમાં મુખ્ય અતિથિ અમિતભાઈ શાહ (ગૃહમંત્રી, ભારત સરકાર)ની ઉપસ્થિતિ. સવારે ૦૪૩૦ વાગે : વિશિષ્ટ ભોગ (ખિચડી) ભગવાનને ધરાવાશે. સવારે ૦૫૦૦ વાગે : ભગવાન શ્રી જગન્નાથજીનો અતિપ્રિય આદિવાસી નૃત્ય અને રાસ ગરબા, ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવાની વિધિ. સવારે ૦૫૪૫ વાગે : ૨થમાં ભગવાનનો પ્રવેશ. સવારે ૭-૦૦ વાગે : રથયાત્રાનો શુભારંભ.
૦૭ જુલાઈના રોજ મંગળા આરતી તથા ગ્રંથ પ્રસ્થાન વિધિમાં દર્શનાર્થે આવતા દર્શાનાર્થીઓ માટે પાર્કીંગ વ્યવસ્થા એ.પી.એમ.સી માર્કેટ-જમાલપુર ખાતે રાખવામાં આવેલ છે. શ્રી જગન્નાથજી મંદિરની વેબ-સાઈટ www.jagannathjiahd.org ઉપર ઓન લાઈન દર્શનનો લાભ લઈ શકાશે.
અમદાવાદ શહેર અને શહેરના બહાર વસતા શ્રદ્ધાલુઓ રથયાત્રા સારી રીતે જોઇ શકે તે માટે રથયાત્રાના અગત્યના સ્થળોનોં સમય પત્રક નીચે પ્રમાણે છે.
૦૭ જુલાઈ રવિવાર : સવારે ૦७०० મંદિરથી રથયાત્રાનો શુભારંભ , સવારે ૦૯૦૦ મ્યુનિસિપલ કોર્પોરેશન, સવારે ૦૯૪૫ રાયપુર ચકલા, સવારે ૧૦૩૦ ખાડીયા ચાર રસ્તા, સવારે ૧૧૧૫ કાલુપુર સર્કલ, બપોરે ૧૨૦૦ સરસપુર, બપોરે ૦૧૩૦ સરસપુરથી પરત, બપોરે ૦૨૦૦ કાલુપુર સર્કલ, બપોરે ૦૨૩૦ પ્રેમ દરવાજા, બપોરે ૦૩૧૫ દિલ્હી ચકલા, બપોરે ૦૩૪૫ શાહપુર દરવાજા, બપોરે ૦૪૩૦ આર. સી. હાઇસ્કુલ, સાંજે ૦૫૦૦ ઘી કાંટા, સાંજે ૦૫૪૫ પાનકોર નાકા, સાંજે ૦૬૩૦ માણેકચોક, સાંજે ૦૮૩૦ નીજ મંદિરે પરત આવશે.