ગાંધીનગર, 31 મે, ગુજરાત માહિતી ખાતાના સહાયક માહિતી નિયામક એન. પી. કક્કડ અને વાહન ચાલક જી. એસ. ઠાકોર આજે વયનિવૃત્ત થયા.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે આજે માહિતી નિયામકની કચેરી ખાતે સહાયક માહિતી નિયામક શ્રી એન. પી. કક્કડ અને વાહન ચાલક શ્રી જી. એસ. ઠાકોર ૩૦ વર્ષથી વધુની સરકારી સેવાઓ બાદ વયનિવૃત્ત થતા, સમગ્ર માહિતી પરિવાર દ્વારા તેમને ભાવસભર વિદાયમાન આપવામાં આવ્યું હતું. કહેવાય છે કે સરકારી સેવામાં કર્તવ્યનિષ્ઠા અને સહજતા ભળે તો સફળતા આપો આપ મળે છે.

આ પ્રસંગે માહિતી નિયામક કે. એલ. બચાણીએ આનંદમય અને નિરોગી જીવનની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વયનિવૃત્તિ એ સરકારી સેવા સાથે જોડાયેલો ફરજનો એક ભાગ છે, પણ નિવૃત્તિ પછી જ્યારે લોકો અને સહકર્મીઓ તમને સતત યાદ કરે એ જ તમારી સફળતા છે.

પૂર્વ માહિતી નિયામક ધીરજ પારેખે જણાવ્યું હતું કે, કોઈપણ કામ પૂર્ણ થાય એટલું જ મહત્વનું નથી, પરંતુ તે ગુણવત્તા સાથે પૂર્ણ થાય એ મહત્વનું છે. આવું થાય ત્યારે અધિકારી કર્મચારીની એક આગવી ઓળખ ઊભી થાય છે. તેમણે કર્મચારીઓ માટે કરેલા કામોને પણ આ પ્રસંગે બિરદાવ્યા હતા.
અધિક માહિતી નિયામક અરવિંદ પટેલે નિવૃત થતા બંને અધિકારી-કર્મચારીને શુભકામનાઓ પાઠવી તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. ખાતામાં અનુભવી માણસો વયનિવૃત્ત થઈ રહ્યાં છે ત્યારે તેમની સેવાઓની માહિતી પરિવારને ચોક્કસ ખોટ પડશે, તેમ તેમણે જણાવ્યું હતું. શ્રી એન. પી. કક્કડ અને શ્રી જી. એસ. ઠાકોરે પણ આ અવસરે માહિતી ખાતા સાથેના તેમના અનુભવો અને સંસ્મરણો વર્ણવ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ અધિક માહિતી નિયામક જ્યોતીન્દ્ર દવે સહિત માહિતી ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ અને નિવૃત્ત અધિકારી- કર્મચારીઓએ ઉપસ્થિત રહી બંનેઅધિકારી,કર્મચારીને ભાવસભર વિદાયમાન આપ્યું હતું.
