Spread the love

સોમનાથ, 16 જૂન, સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવ્યા.
સોમનાથ ટ્રસ્ટ તરફ થી જણાવવામાં આવ્યું કે 16/06/2024, રવિવાર, જેઠ શુક્લ દશમી જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન અને આરતીનું અનેરૂ મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા, અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્રોકત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર આજરોજ ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.ત્રિવેણી સંગમ ખાતે ગંગામાતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી.
જે. ડી પરમારએ ગંગા દશેરાના શાસ્ત્રોક્ત મહાત્મ્ય અંગે જણાવ્યું હતું કે “જે રીતે બ્રહ્માજીના કમંડળમાંથી સ્વર્ગલોક થઈને શિવજીની જટાઓમાં પસાર થઈ ગંગામાતા પૃથ્વી પર અવતારિત થયા હતા. ગંગા માતાને ગંગાસાગર સુધી પહોંચતા જેઠ સુદ એકમ થી દશમ એમ કુલ 10 અહર એટલેકે 10 દિવસ લાગ્યા હતા જેના માટે આપણે ગંગા દશેરા ઉજવીએ છીએ”


ગંગા અવતરણનું આવું જ પાવન દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું. 10 કન્યાઓ દ્વારા પવિત્ર ગંગાજળથી શિવજીની પ્રતિમાનો અવિરત અભિષેક કર્યો હતો. ગંગામાતાના અવતરણની પ્રાર્થના ગણવામાં આવતા ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે બાલિકાઓએ શિવજીનો અભિષેક કર્યો હતો. નિર્મળ ગંગાજળ કળશમાંથી શિવજીની જટાઓ થકી પૃથ્વી પર પડે અને જલાધારી દ્વારા તે જળ ત્રિવેણીમાં સમાય તેવું ઉત્તમ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, ગીર સોમનાથ જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજા, વેરાવળ સોમનાથ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાની, સહિતના મહાનુભવો તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા શિવજીની પ્રતિમાની તેમજ ત્રિવેણી માતાની શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પૂજા કરવામાં આવી હતી. તેની સાથે સ્થાનિક તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર, તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ જડાયા હતા. સંધ્યાકાળે ત્રિવેણી માતાની મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
સાથે જ આપણી સંસ્કૃતિની ધરોહર એવા જલ સ્થાપત્યો સ્વચ્છ અને ગૌરવમય રહે તેના માટે ક્યારેય પણ નદી કુવા તળાવ વાવ કે સમુદ્રમાં કોઈપણ પ્રકારનો કચરો ન નાખવાની અને પ્રકૃતિને લક્ષમાં રાખીને પૂજા કાર્ય કરવાનો તમામે સંકલ્પ લીધો હતો. સોમનાથ ટ્રસ્ટના “નિર્મલ સોમનાથ” અભિયાન અંતર્ગત તૈયાર કરવામાં આવેલ સેલ્ફી પોઇન્ટ પર આ સંકલ્પ સાથે લોકોએ સેલ્ફી લઈને વિજાણું માધ્યમો પર પણ ધર્મ અને પ્રકૃતિ રક્ષણનો સુગમ સંદેશ આપ્યો હતો.


મહાઆરતી પછી તમામ ભકતોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગંગાજલથી મહાદેવનો અભિષેક કરનાર બાળાઓને ટ્રસ્ટ તરફથી પુરસ્કાર અને પ્રસાદ આપીને વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં તીર્થપુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ, સ્થાનિક ભક્તો, અને સ્થાનિક ભક્તો,આ ધાર્મિક આયોજનમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન સંપન્ન કરવામાં આવ્યું હતું.