પાટણ, 30 જૂન, ગુજરાતમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યૂનિવર્સિટી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહ સમિતિ દ્વારા વીરાંગના રાજમાતા નાયિકાદેવી ગૌરવદિન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના નિર્માણમાં નારી શક્તિ, યુવા શક્તિ ગરીબ અને અન્નદાતા નું મહત્વ સમજાવ્યું છે. તેઓએ વિકાસ અને વિરાસતના સમન્વયની હિમાયત કરી છે. આજનો આ સમારોહ ગુજરાતની નારી શક્તિના પ્રતિક અને પાટણના રાજમાતા નાયિકાદેવીની વિરાસતને ઉજાગર કરવાનો અવસર છે. વિરાંગના નાયિકાદેવીની ગાથાને ઇતિહાસના પાનાઓથી બહાર લાવી લોકો સમક્ષ મુકવાનો વિશ્વ હિન્દુ પરિષદનો આ સાર્થક પ્રયાસ છે. માં ભારતીના સપૂતોની જેમ આર્યપુત્રીઓ એ પણ ત્યાગ અને બાલિદાનના દર્શન કરાવ્યા છે. પ્રજાની રક્ષા માટે નાયિકાદેવી જેવા શાસકોએ અપ્રતિમ જુસ્સો અને યુદ્ધનીતિ દાખવી છે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આપણે રાણી લક્ષ્મીબાઈ, રાણી ચેનમ્મા, રાણી અહલ્યાબાઈની વાતો સાંભળી છે. એ જ રીતે નાયિકાદેવીને પણ દુનિયા ઓળખે એમ એમનું યશોગાન કરવું આપણી ફરજ છે. ભારત ભૂમિની બાહોશ વિરાંગનાઓમાં નાયિકાદેવીનું સ્થાન પ્રથમ હરોળમાં છે. મોહમ્મદ ઘોરીને શૌર્યનો પરચો આપનાર નાયિકાદેવી ગુજરાતનું ગૌરવ છે. ઇતિહાસકારોએ નાયકાદેવીને મા દુર્ગાની ઉપમા આપી છે.
એમણે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રી મોદી કહે છે કે જે દેશ પોતાના સાહસ અને ગાથાનુ સ્મરણ નથી કરતો એની સંસ્કૃતિ જીવંત રહી શકતી નથી. પ્રધાનમંત્રીશ્રીએ ‘વિરાસત પણ અને વિકાસ પણ’ નો મંત્ર આપ્યો છે. પ્રાચીન રાજધાની પાટણ શૂરવીરતા, ત્યાગ અને સાંસ્કૃતિક ધરોહરનો વારસો સાચવીને બેઠું છે. રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી પટોળા, વીર મેઘમાયા સ્મારક અને રાણકી વાવનું ઉચિત ગૌરવ કર્યું છે. પાટણ એ વિરાસત સાથે વિકાસનો રાહ અપનાવ્યો છે. આપણી ભાવિ પેઢી ઇતિહાસથી વાકેફ થાય તે સમયની માંગ છે. જેને પારખીને વડાપ્રધાનશ્રીએ નવી આધુનિક શિક્ષણ પદ્ધતિની ભેટ આપી છે. જેમાં આપણા વિદ્યાર્થીઓ ગુલામીની માનસિકતાના પાઠ્યક્રમને બદલે શૌર્ય અને યશકીર્તિનો સાચો ઈતિહાસ ભણશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદે નાયિકાદેવીના જીવનને ઉજાગર કરવા જે પ્રકલ્પોનું આયોજન કર્યું છે એ ખૂબ ઉપયોગી નિવડશે. ભારતની નારી શક્તિ યુદ્ધ મેદાને પણ બલિદાન આપી યોગદાન આપવા સક્ષમ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિનું સન્માન કરવા દેશની દીકરીઓને રાષ્ટ્રની સેવા કરવા સુરક્ષા દળોમાં જોડાવાની પ્રેરણા પૂરી પાડી સમાન તક ઉપલબ્ધ કરાવી છે. તેઓએ દેશભરની સૈનિક સ્કૂલોના દ્વાર દીકરીઓ માટે ખોલી નાખ્યા છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશભરમાં સો જેટલી સૈનિક સ્કૂલો શરૂ થઈ રહી છે. જેમાંથી ગુજરાતમાં શરૂ થનાર દસ રક્ષા શક્તિ સ્કૂલોમાંથી ત્રણ દીકરીઓ માટેની છે. જે બાહોશ યોદ્ધા નાયકાદેવીને ભાવાંજલિ છે.
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે પાટણના ઇતિહાસને ઉજાગર કરવાનું કાર્ય વિશ્વ હિન્દુ પરિષદે કર્યું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ પાટણ અને આસપાસની ધરોહરના વિકાસ માટે કાર્યરત છે. નાયિકાદેવીએ મોહમ્મદ ઘોરીની મોટી સેનાને હરાવી હતી જે આપણા માટે ગૌરવની બાબત છે. પાટણના ભવ્ય ભૂતકાળને જાગૃત કરવાનો પ્રયાસ કરનાર તમામ લોકોના પ્રયાસો સરાહનીય છે.
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી વિનાયકરાવ દેશપાંડેએ ઉદ્બોધનમાં જણાવ્યું હતુ કે વર્ષોથી અંગ્રેજોએ આપેલ શિક્ષણ પદ્ધતિથી જ્ઞાન આપવામાં આવ્યું. જેના લીધે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનાર અનેક વીર વિરાંગનાઓનો ઉલ્લેખ જોવા મળતો નથી. 14 મી સદીના જૈન વિદ્વાન મેરૂતુંગજીએ ‘પ્રબંધ ચિંતામણી’ ગ્રંથ લખ્યો છે જેમાં નાયિકાદેવીનો ઉલ્લેખ અને મોહમ્મદ ઘોરી સાથેની લડાઈનો ઉલ્લેખ જોવા મળે છે. આવા અનેક પુરાવાઓ છે જેને અંગ્રેજોએ છુપાવીને રાખ્યા છે. પાટણ નગરનું ખૂબ ઐતિહાસિક મહત્વ છે. નાયિકાદેવીને લીધે પાટણની પ્રસિદ્ધિ અનેકગણી વધી છે. રાજમાતા નાયિકાદેવીએ મોહમ્મદ ઘોરીને પરાસ્ત કરીને ઉત્કૃષ્ટ સેનાપતિ હોવાનું પુરવાર કર્યું હતું. જે ખરેખર ગૌરવની બાબત છે અને એની જાણકારી નાગરિકોને હોવી જોઈએ. જે રાષ્ટ્ર નાયિકાદેવી જેવી વિરાંગનાઓનું સન્માન કરે છે એ જ પ્રગતિ કરે છે.
રાજમાતા નાયિકાદેવી ગૌરવદિન સમારોહમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, સંગઠનના સદસ્યો દશરથજી ઠાકોર, નંદાજી ઠાકોર, ભાવેશભાઈ પંચાલ, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અશોકભાઈ રાવલ, અશ્વિનભાઇ પરમાર, અનિલભાઈ પટેલ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને માતાઓ બહેનો ઉપસ્થિત રહી હતી.
