Spread the love

ભાવનગર, 28 જૂન, હેલેન કેલરની ૧૪૪ મી જન્મજયંતી નિમિત્તે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં વિશેષ વાર્તાલાપ યોજાયો
શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તરફ થી આજે જણાવવામાં આવ્યું કે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે હેલેન કેલરની ૧૪૪મી જન્મજયંતી નિમિત્તે સંસ્થાની પરંપરા મુજબ આ વર્ષે પણ ‘દર્પણનો દરબાર’ વિષય પર એક વિશિષ્ટ વાર્તાલાપનું આયોજન તા.૨૭ જૂને ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું. વક્તા લાભુભાઈ સોનાણીએ હેલેન કેલરની જન્મજયંતી, તેમનો ઉછેર અને તેમણે મેળવેલ સિદ્ધિ પર વાત કરતા જણાવ્યું હતું કે હેલેન કેલેર એક વિશિષ્ટ પ્રતિભા ધરાવતા હતા. તેમણે નાની ઉંમરે પોતાની બંને આંખો અને શ્રવણશક્તિ ગુમાવી હતી. મીસીસ સુલેવાનના માર્ગદર્શન નીચે સ્પર્શ દ્વારા તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. એટલું જ નહિ કુદરતી સૌન્દર્યો, મેઘધનુષ જેવા વિષયો પર સામાન્ય વ્યક્તિ પણ કલ્પના ન કરી શકે તેવા પુસ્તકો આપી સમાજને નવો રાહ ચીંધ્યો છે. વાર્તાલાપમાં ગીતાનો ૧૦ મો અધ્યાય – વિભૂતિયોગને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે મન, બુદ્ધિ, ચિત અને અહંકાર સંસારનું મૂળ છે. ઈશ્વરની ઈચ્છાથી આ જગતનું નિર્માણ થયું છે અને તેમની ઈચ્છા થી જ તેનું વિસર્જન થશે. વિવિધ સ્વરૂપમાં ઈશ્વર આપણી સાથે છે. દરેકનો અંતરાત્મા પણ ઈશ્વર છે. ત્યારે વ્યક્તિગત સિદ્ધિનું કોઈ મુલ્ય નથી. આ સૃષ્ટિને ચલાવવા ઈશ્વર જુદીજુદી પ્રકૃતિના લોકોને મોકલે છે. સેવક થી રાજા સુધીની ભૂમિકામાં કાર્ય કરતા મનુષ્યની શક્તિનું સ્ત્રોત્ર જ ઈશ્વર છે અન્યથા આ બધું શક્ય નથી. ત્યારે વ્યક્તિએ છ મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ૧) સ્વીકાર, ૨)અવગણવું, ૩)મજાક, ૪)ગુસ્સો નહિ પણ જુસ્સો રાખવો, ૫)યોજનાને નિષ્ફળ બનાવનાર વ્યક્તિ સામે નારાજ નહિ પણ ખુશ રહેવું, ૬)સમાજને શક્તિના પુરાવા આપવા નહિ. ગંગાસતીનું ઉદાહરણ આપી તેમણે વિષય પર છણાવટ કરી હતી. આ પ્રસંગે વાર્તાલાપની મધ્યે સંસ્થાના સંગીત શિક્ષિકા અંકિતાબેન ચૌહાણ અને રાજેશ ઠાકોરે ‘મેરુ તો ડગે પણ જેના મન નો ડગે પાનબાઈ’ ભજન પ્રસ્તુત કરી સૌ કોઈને ભાવવિભોર કરી દીધા હતા.
વાર્તાલાપના બીજા ભાગમાં દોડધામના કારણે થતી માનસિક બીમારીને ટાંકીને તેમણે હળવી શૈલીમાં નો બોલ સાથે ક્રિકેટની ભાષામાં સિક્સર ફટકારી મહત્વના સાત મનોવૈજ્ઞાનિક મુદ્દાઓ સાથે માનસિક સ્વસ્થ રહેવા ટકોર કરી હતી. આવા કારણોસર આજકાલ લોકો અનેક મુશ્કેલીઓ અનુભવે છે. એક મિનીટ પહેલા કહેવાયેલું વાક્ય યાદ રહેતું નથી, સામે પડેલી વસ્તુ મળતી નથી. આવું કેમ બનતું હશે તે સમજાવતા તેમણે કહ્યું હતું કે આ એક મગજનું મીની વેકેશન છે. બીજા શબ્દોમાં તેને મગજની ધુમ્મસ કહેવામાં આવે છે. જે નીચેના કારણોસર થાય છે…
૧) તણાવ (ટેન્શન)
૨) હરી થીક્નેસ (ઉતાવળ)
૩) ઊંઘ નો અભાવ (અપૂરતી ઊંઘ)
૪) હોર્મન ફેરફારો  (શરીરના રસાયણિક ફેરફારો)
૫) ખોટી આહારશૈલી (બિન પોષ્ટિક આહારનું સેવન)
૬) દવાની આડઅસર
૭) માનસિક થાક
ઉપાય:
જો બ્રેઈનફોગ કોઈ મેડીકલ કારણોસર ન થયું હોય તો માનસિક સ્વસ્થતા, પુરતી ઊંઘ અને આહારમાં સુધારો કરી બ્રેઈનફોગ મટાડી શકાય છે. તેનો મેડીકલ ઉકેલ પણ છે. ટૂંકમાં સ્વસ્થ મન તેનો સૌથી સારો ઉપાય છે. અંતમાં તેમણે બ્રેઇલલીપીના શોધક લુઈ બ્રેઇલ અને હેલન કેલરની વંદના કરતા જણાવ્યું હતું કે…
હો દૈવી આત્મા લુઈ હેલનનું નામ ધારણ કરનારા તમે છો આકાશના ચમકતા તારા,
ઓલાયા અંધારા ને ચમક્યા લાખો સિતારા,
સાત સમુદ્ર તરી ખોળ્યા તમે કિનારા,
હો દૈવી આત્મા લુઈ હેલનનું નામ ધારણ કરનારા તમે છો આકાશના ચમકતા તારા.
જાણીતા કવિ વિનોદભાઈ જોશીએ પોતાની અમેરિકાની મુલાકાત સમયે હેલેન કેલર સ્મારકની મુલાકાત લીધી હતી. તેના કેટલાંક પ્રસંગો વાર્તાલાપ બાદ રજુ કરી આજના ઉપક્રમને તેમણે બિરદાવ્યો હતો અને જાહેર જનતામાં શ્રી લાભુભાઈ સોનાણીના આવા પ્રવચનો થવા જોઈએ તેવું સુચન કર્યું હતું. આ પ્રસંગે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા, પી.એન.આર.સોસાયટીના ટ્રસ્ટીઓ, શહેરની શાળા કોલેજના આચાર્યઓ, નગરજનો અને શિક્ષકમિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો ઉઘાડ અને સમાપન ચિરાગભાઈ દેસાઈએ કર્યું હતું.