~સુરક્ષા, સંવેદના અને સશકતીકરણના પ્રયાસો થકી ગુજરાતની નારીશક્તિનું અભેદ્ય કવચ બની અભયમ હેલ્પલાઇન
~એક દશકાથી વધુ સમય સુધી ટેકનોલોજી અને હિંમતના સંગમે ‘અભયમ’ દ્વારા લાખો મહિલાઓને અપાવ્યું સુરક્ષિત સ્થાન
Ahmedabad, Gujarat, March 07, ગુજરાત એટલે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનું પર્યાય. રાજ્યની પ્રત્યેક મહિલા પોતે સુરક્ષિત અનુભવે અને મુશ્કેલીના સમયે તેને કોઈ મજબૂત સાથ મળે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી ‘181 અભયમ’ મહિલા હેલ્પલાઇન આજે પોતાની સફળ સેવાના 12 વર્ષ પૂર્ણ કરી રહી છે.
શ્રદ્ધા ટીકેશએ આજે જણાવ્યું કે 08 માર્ચ, 2015ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ટેકનોલોજી અને સંવેદનાના સમન્વય સાથે શરૂ થયેલી આ સેવા આજે માત્ર એક હેલ્પલાઇન નંબર નથી, પરંતુ લાખો મહિલાઓ માટે અતૂટ વિશ્વાસનું પ્રતીક બની ગઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ સેવામાં મહિલા પોલીસ અને તાલીમબદ્ધ કાઉન્સિલર્સની ટીમ દિવસ-રાત કાર્યરત રહીને નારી સુરક્ષાની કરોડરજ્જુ સાબિત થઈ છે.
છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં આ હેલ્પલાઇને ગુજરાતમાં 18.10 લાખથી વધુ મહિલાઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપીને માનસિક રીતે સશક્ત કરી છે. 181ની ટીમ માત્ર ફોન પર માર્ગદર્શન આપીને અટકી જતી નથી, પરંતુ 3.60 લાખથી વધુ કિસ્સાઓમાં અભયમની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પીડિત મહિલાઓને તાત્કાલિક મદદ પૂરી પાડી છે. આ સેવાની સૌથી મોટી સફળતા એ છે કે 2.29 લાખ જેટલા કિસ્સાઓમાં અત્યંત કુશળતાપૂર્વક સ્થળ પર જ કાઉન્સિલિંગ કરીને પારિવારિક અને સામાજિક વિવાદોનો સુખદ નિકાલ લાવવામાં આવ્યો છે.
એટલું જ નહીં, અત્યંત ગંભીર પરિસ્થિતિમાં ફસાયેલી 1.09 લાખથી વધુ મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડીને નવજીવન આપ્યું છે.
અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અહીં 13 જેટલી અભયમ રેસ્ક્યુ વાન સતત ખડેપગે રહીને મહિલાઓની સેવામાં કાર્યરત છે. છેલ્લા 12 વર્ષમાં અમદાવાદમાં 3.08 લાખથી વધુ મહિલાઓને વિવિધ સ્તરે મદદ પહોંચાડવામાં આવી છે.
ખાસ કરીને વર્ષ 2025ના આંકડાઓ પર નજર કરીએ તો, અમદાવાદ જિલ્લામાં ઘરેલું હિંસા, લગ્ન જીવનના વિખવાદો અને માનસિક હેરાનગતી જેવા અતિ સંવેદનશીલ કિસ્સાઓમાં અભયમની ટીમે સરાહનીય કામગીરી કરી છે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મહિલા-બાળ વિકાસ વિભાગના સંકલનથી પીડિત મહિલાઓને આશ્રય અને કાનૂની માર્ગદર્શન આપીને સામાજિક એકતા જાળવવામાં આ હેલ્પલાઇન આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
ડિજિટલ યુગમાં આ સુરક્ષા કવચને વધુ આધુનિક બનાવતા ‘181 મોબાઈલ એપ’માં ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા અદભૂત ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. આ સુવિધાને કારણે મહિલાઓ મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ પોતાનું લોકેશન હેલ્પલાઇન સેન્ટર સુધી પહોંચાડી શકે છે. 24*7 કાર્યરત 59 અત્યાધુનિક રેસ્ક્યુ વાન આજે જીપીએસ ટ્રેકિંગથી સજ્જ મોબાઈલ સુરક્ષા કેન્દ્ર બની ગઈ છે.
સાયબર ક્રાઈમ હોય કે સરકારી યોજનાઓની માહિતી, અભયમ હેલ્પલાઇન દરેક ક્ષેત્રમાં મહિલાઓની ઓળખ ગુપ્ત રાખીને તેમને સુરક્ષા પૂરી પાડે છે. આમ, ‘અભયમ’ના માધ્યમથી ગુજરાતની નારી આજે સાચા અર્થમાં ‘અભય’ બનીને આત્મવિશ્વાસ સાથે પ્રગતિના પંથે આગળ વધી રહી છે
