અમદાવાદ, ૦૧ જૂન, મોટેરાથી ગાંધીનગર સેકટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે અનુસંધાને આ રૂટમાં આવતા મુખ્ય બે પુલો, ગિફ્ટસિટી પાસે સાબરમતી પરનો પુલ અને સુઘડ પાસે નર્મદા કેનાલ પરનો કેબલ સ્ટેડ પુલની ઉપર લોડ ટેસ્ટિંગ કરાયું હતું.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડની અખબારી યાદીમાં જણાવાયું છે કે આ ઉપરાંત અન્ય જગ્યાઓ પર લોડ ટેસ્ટિંગ તથા સ્ટેશનોની કામગીરી આગામી સમયમાં પૂર્ણ કરાશે અને જૂન મહિનાના અંત સુધીમાં CMRS (કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી)ને ચકાસણી કરવા વિનંતી કરાશે. આ તમામ પ્રક્રિયામાં તેમનું રીમાર્કસ, તેનું કોમ્પલાયન્સ પૂર્ણ કર્યા બાદ આખરી મંજૂરી મેળવીને જુલાઈ મહિનાના અંતની આસપાસ મેટ્રો દોડાવાશે.