અમદાવાદ, 30 જૂન, પુસ્તક ‘ભણકાર’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસે અને સાહિત્યસર્જક ઈલા આરબ મહેતાના પુસ્તક ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે સાહિત્યકાર મીનલ દવેએ પુસ્તકનો પરિચય કરાવ્યો.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે રવિવારે,સાંજે ૦૫૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ‘પુસ્તક-પરિચય’માં સાહિત્યસર્જક બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ના પુસ્તક ‘ભણકાર’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસે અને સાહિત્યસર્જક ઈલા આરબ મહેતાના પુસ્તક ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે સાહિત્યકાર મીનલ દવેએ પુસ્તકનો પરિચય કરાવી આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
શ્રી સતીશ વ્યાસએ સાહિત્યસર્જક બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ના પુસ્તક ‘ભણકાર’ વિશે કહ્યું કે બ ક.ઠાકોરે વિચારપ્રધાન કવિતા માટે પ્રકાર સોનેટ અને છંદ પૃથ્વી પસંદ કર્યો. બ ક.ઠાકોરે વાસ્તવનો મહિમા કર્યો છે. ‘તને પવન શું કહું? ‘ જેવી કવિતામાં તમને કોઈ સારી અનુભૂતિ ન થાય. પરંતુ કોઈપણ વિષય પર કવિતા લખી શકાય એવા વિચાર કે વિભાવનાને કારણે અનેક અજાણ્યા કે અણસ્પર્શીય વિષય પર કવિતા મળવા લાગી. એ વિશેના દ્વાર ખોલવાનું કામ પણ બ. ક. ઠાકોરે કર્યું છે. આમ તેઓ એવું પણ કહે છે કે કળાગુંફન કળાનો સાચો આદર્શ છે. તે એમની કવિતામાં કહે છે કે હું હ્રદયમાં ઊતરીશ પછી સરળ બનીશ. તેઓ લોકપ્રિયતાના વિરોધી હતા. હવે પછીના વર્ષોમાં આવા અવનવા વિષયો પરની કવિતા મળશે એવી પ્રતિજ્ઞા એમની કવિતામાં જોવા મળે છે.
શ્રી મીનલ દવેએ સાહિત્યસર્જક ઈલા આરબ મહેતાના પુસ્તક ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે પરિચય આપતા કહ્યું કે બેતાળીસ વર્ષ પહેલાં લખાઇ હોવા છતાં આજે પણ એટલી જ તરોતાજા લાગતી બત્રીસ પૂતળીની વેદના ગુજરાતી ભાષાની પહેલી નારીવાદી અથવા તો નારી ચેતનાની નવલકથા છે. શામળ ભટ્ટની બત્રીસ પૂતળીની વાર્તામાં જીવતી થતી પૂતળીઓ રાજા વિક્રમના ગુણગાન ગાય છે. એમની પાસે પોતીકી વાર્તા જ નથી. પરંતુ આ નવલકથાની સ્ત્રીઓ હવે કોઇની બોલાવેલી ભાષા બોલવા માંગતી નથી. એટલે જ ભજવાતાં નાટકના સંવાદ બોલવાને બદલે પોતીકી વેદનાને વાચા આપે છે. નવલકથા રચનારીતિની દ્રષ્ટિએ પણ એકદમ નોખી છે.