Spread the love

અમદાવાદ,૦૪ જુલાઈ, વિવેચક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીના ૧૨૬મા જન્મદિનપ્રસંગે ‘પરિશીલન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન ગુરુવાર ના રોજ કરવામાં આવ્યું.

સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે‌ આજે,સાંજે ૦૫૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિવેચક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીના ૧૨૬મા જન્મદિનપ્રસંગે ‘પરિશીલન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું જીવનકાર્ય વિશે પ્રો.અશ્વિન આણદાણીએ અને વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિશે પદ્મશ્રી પુરસ્કૃત સાહિત્યકાર પ્રવીણ દરજીએ વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પુત્રી વસંતિકા ભટ્ટ , દોહિત્રી પ્રીતિ ભટ્ટ તથા સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.

શ્રી અશ્વિન આણદાણીએ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું જીવનકાર્ય વિશે કહ્યું કે વિષ્ણુભાઈનું વિદ્યાર્થીજીવન ખૂબ તેજસ્વી હતું. ૧૯૧૬માં નડિયાદ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરીને એમણે “ભાઉસાહેબ સ્કોલરશિપ” પ્રાપ્ત કરેલી. તે જ વર્ષે આગળ અભ્યાસ કરવા માટે તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા હતા. વિષ્ણુભાઈએ કૉલેજકાળમાં અને એ પછી પણ સાઈકલનો ઉપયોગ કર્યો હતો. ટેનિસની રમતના એ ખૂબ સારા ખેલાડી હતા. આઈસ ફેકટરીની દુકાને ટેનિસ રમીને મોડેથી સોડા-લેમન-નારંગી પણ ગટગટાવતા. ગુજરાત કૉલેજમાં આવતા તે આચાર્ય આનંદશંકર ધ્રુવના શિષ્ય બનેલા અને એમની વિદ્વત્તા તેમજ જીવનદૃષ્ટિથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેઓ ધ્રુવસાહેબને પોતાના આરાધ્યદેવ અને અલૌકિક પુરુષ માનતા હતા. આ ઉપરાંત તેઓ પરોક્ષ રીતે ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી અને નરસિંહરાવ દિવેટિયા જેવા વિદ્વાનોથી પણ પ્રભાવિત હતા. એમની સાહિત્યરુચિ મુખ્યત્વે અંગ્રેજી સાહિત્યના પરિશીલનથી ઘડાયેલી હતી. કૉલેજકાળ દરમ્યાન આચાર્ય આનંદશંકર ધ્રુવના પ્રમુખપદે “સરસ્વતીચંદ્ર” નવલકથા વિશે અંગ્રેજીમાં વ્યાખ્યાન આપીને એમણે પોતાની વિવેચનશક્તિનો પહેલો જાહેર પરિચય કરાવ્યો હતો.
શ્રી પ્રવીણ દરજીએ વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિશે જણાવ્યું કે
પંડિતયુગ અને ગાંધીયુગ ઉભયને અંકે કરીને ગુજરાતી વિવેચનાને સમૃદ્ધ કરનાર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી આપણા અગ્રણી વિવેચક તરીકે સુપ્રતિષ્ઠિત છે.વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ગુજરાતી ભાષાના સમર્થ વિવેચક છે.વિવેચકને જીવનફિલસૂફ અને કળા ફિલસૂફ તરીકે ઓળખાવનાર આ વિવેચકે પશ્ચિમ અને પૂર્વની મીમાંસાના સમન્વયમાંથી ગુજરાતી વિવેચનમાં અનુભાવના, સાધારણીકરણ જેવા મુદ્દાઓમાં તેમજ ગુજરાતી ગદ્યકારોને ગોવર્ધનરામ વિશેના તેમના અભ્યાસમાં નવી દ્રષ્ટિનાં દર્શન કરાવ્યાં છે.