Spread the love

Ahmedabad, Gujarat, Feb 27, ગુજરાત ના અમદાવાદમાં કલા વિવેચક બચુભાઈ પોપટભાઈ રાવતના 129મા જન્મદિનપ્રસંગે કુમાર ચંદ્રકથી સન્માનિત કવિઓનું ‘કવિસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું.
સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૭ ફેબ્રુઆરી, શુક્રવારે, સાંજે ૦૫૩૦ કલાકે, રા. વિ. પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા સંપાદક, કલા વિવેચક બચુભાઈ પોપટભાઈ રાવતના 129મા જન્મદિનપ્રસંગે કુમાર ચંદ્રકથી સન્માનિત કવિઓનું ‘કવિસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં કવિ હર્ષદ ત્રિવેદીએ બચુભાઈ રાવતના જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું. ત્યારબાદ કવિસંમેલનમાં રામચન્દ્ર પટેલ, પ્રફુલ્લ રાવલ, હર્ષ બ્રહ્મભટ્ટ, ભગીરથ બ્રહ્મભટ્ટ, યોગેશ જોષી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, હર્ષદ ત્રિવેદીએ સ્વરચિત કવિતાનો પાઠ કર્યો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે બચુભાઈ રાવતના પૌત્ર ખદ્યોત રાવત, પ્રતીક્ષા રાવત સાથે અન્ય પરિવારજનો, સાહિત્યકારો અને કવિતાના ભાવકો તથા ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
કવિસંમેલનમાં પ્રસ્તુત થયેલ કવિતાના અંશ :
અને હું
1) ચારે શેઢા ભેગા કરીને ખેતરને ઘેર લાવું છું.
રાજી રાજી થઇ જાય છે આખું ઘર
-રામચન્દ્ર પટેલ
2) બોલ, કંઈક તો બોલ
અષાઢ જેવું નહીં તો વૈશાખ જેવું બોલ
પણ કંઈક તો બોલ
-પ્રફુલ્લ રાવલ
3) બધું જ યાદ રજેરજ ને ભૂલકણો પણ છું,
બધે જ શોધતો ફરું છું બાળપણ પાછું.
-હર્ષ બ્રહ્મભટ્ટ
4) નાના સરખા એક શબ્દનો આભ જેવડો અર્થ,
તમે તીરથ નું સરનામું “ બા” અમે ભમીએ વ્યર્થ.
-ભગીરથ બ્રહ્મભટ્ટ
5) મારું આખું યે ઘર
દોડતું જઈને ઊભું રહ્યું પાદરે,
હાથની છાજલી કરી.
– યોગેશ જોષી
6) ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે,
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે.
-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
7) ઊડવામાં આમ તો જોખમ કશું હોતું નથી,
જીવને થોડોક સમજાવો અને ઊડી જુઓ !!
-હર્ષદ ત્રિવેદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *