અમદાવાદ, 11 જુલાઈ, ગુજરાત ના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે કહ્યું કે ક્વોલિટી ઓફ લાઇફ ત્યારે જ શક્ય છે જ્યારે લો એન્ડ ઓર્ડરમાં ક્વોલિટી હોય.
અમદાવાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડીયા દ્વારા આયોજિત ‘ગુજરાત ગુણવતા સંકલ્પ’ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે અલગ અલગ વિષયો પર સત્ર યોજાયા હતા જેમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો દ્વારા ચર્ચા કરાઈ હતી.
જે અંતર્ગત ‘ક્વોલિટી રોડમેપ’ વિષય પર આયોજિત સત્રમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ વિષય પર સંવાદ કર્યો હતો. સાથે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ અને પંચાયત તથા ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી એ આ આયોજન બદલ ‘ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ ને અભિનંદન આપ્યા હતા. મંત્રીશ્રીએ QCI ને છેવાડાના લોકો સુધી પહોંચી ક્વોલિટી બાબતે કરેલ કાર્યને બિરદાવ્યા હતા. વધુમાં તેમણે વિવિધ ક્ષેત્રો અને સરકારના વિવિધ વિષયો પર QCI ના યોગદાન વિશે વાત કરી હતી.
શ્રી હર્ષ સંઘવીએ લૉ એન્ડ ઓર્ડર વિશે મહત્વપૂર્ણ વાત કરતાં કહ્યું હતું કે, ક્વોલિટી ઓફ લાઇફ ત્યારે જ શક્ય છે જ્યારે લો એન્ડ ઓર્ડરમાં ક્વોલિટી હોય. શાંતિ, સુરક્ષા અને સલામતિની બાબતમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય છે. તેમણે મહિલાઓની સલામતિ અંગે વાત કરતા કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 8 દિવસમાં પોક્સો રેપ જેવા કેસના આરોપીઓ વિરૂદ્ધ પાંચ થી આઠ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી પીડિતોને ન્યાય અપાવ્યો છે. ડ્રગ્સના દૂષણને ડામવા રાજ્ય સરકારે અસરકારક પગલાં લીધાં છે. આ મામલે વાત કરતાં તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત મોખરે છે.
ઓલિમ્પિક વિશે તેમણે ગૌરવભેર જણાવ્યું કે, 2036માં યોજાનાર ઓલિમ્પિકમાં ભારત કંડકટ કરશે. વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાત દેશમાં સૌથી વિકસિત રાજ્ય છે.
રાજ્ય સરકારના કાર્ય વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, વિજ્ઞાન અને પ્રકૃતિના સંગમ પર રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. આ ઉપરાંત આર્ટ, કલ્ચર અને સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ રાજ્ય સરકાર અભૂતપૂર્વ કામગીરી કરી રહી છે.
આ સત્રમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે જણાવ્યું હતું કે, ભારત હંમેશાથી ગુણવત્તાસભર દેશ રહ્યો છે. તેમણે ગર્વભેર જણાવ્યું હતું કે, ભારત દેશ અનેક ક્ષેત્ર અગ્રેસર છે. ક્વોલિટી બાબતે તેમણે સૌને કહ્યું હતું કે, દેશને વિશ્વગુરુ બનાવવા માટે દરેક ક્ષેત્રે ગુણવત્તા બાબતે પણ ચોક્કસ ધ્યાન ધરવું પડશે. આ સાથે આપણે સૌ લોકોએ આપણી નિષ્ઠા અને વચન પર પણ કાયમ રહેવું પડશે.
આ સત્રમાં પંચાયત તથા ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ગુણવત્તા બાબતે જરૂરી માર્ગદર્શન આપતા રહે છે.
શ્રીમતી મોના ખંધારે વધુમાં તેમના વિભાગ દ્વારા થતી કામગીરીમાં ગુણવત્તા બાબતે રાખેલ ધ્યાન બાબતે પણ વાત કરી હતી. આ ઉપરાંત તેમણે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. આ તકે તેમણે QCI ને જરૂરી સૂચન કર્યા હતા. આ સત્રમાં ‘ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના’ ચેરપર્સન જક્ષય શાહ, સેક્રેટરી ચક્રવર્તી કાન્નન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.