Spread the love

ગાંધીનગર, 12 જુલાઈ, ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગાંધીનગરમાં આજે લીધી હતી.
ડેપ્યુટી હાઈકમિશનર શ્રી ક્રિસ્ટીના સ્કોટે આ સૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચાઓ દરમિયાન શ્રી પટેલને બ્રિટનની મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું હતું.

તેમણે બ્રિટનમાં તાજેતરમાં રચાયેલી નવી સરકાર ભારત-ગુજરાત સાથે એનર્જી, પીપલ ટુ પીપલ કનેક્ટ અને એન્વાયરમેન્ટના સેક્ટર્સમાં સંબંધો વિસ્તારવા ઉત્સુક છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ ખાસ કરીને વિન્ડ અને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં સહભાગીતાની તત્પરતા દર્શાવી હતી. તેમણે ગુજરાત આગામી ઓલમ્પિક્સના આયોજન માટેની તૈયારી કરી રહ્યું છે તે સંદર્ભમાં બ્રિટનની સ્પોર્ટ્સ સેક્ટરની વિશેષતા અને તજજ્ઞતાનો અનુભવ ગુજરાતને મળે તે માટે ફળદાયી ચર્ચાઓ હાથ ધરી હતી. ખાસ કરીને આવી ગેઇમ્સ માટેના ઉત્કૃષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ, ગેઇમ્સ પૂર્ણ થયા પછી લાંબાગાળા માટે તે ઇન્ફ્રાસ્ટ્રકચરનો લોકોપયોગ વગેરે અંગે જાણવામાં મુખ્યમંત્રીશ્રીએ ઊંડો રસ દાખવ્યો હતો.
બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનરએ NFSU સાથે સાયબર ટેકનોલોજી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઈલેક્ટ્રીફાયિંગ સુવિધાઓના વિસ્તૃતિકરણમાં બ્રિટન સહયોગ કરી રહ્યું છે તેની પણ વિગતો આ બેઠકમાં આપી હતી.
તેમણે ભારતમાં એનર્જી ડિપાર્ટમેન્ટ અને નીતિ આયોગ દ્વારા વિન્ડ પાવર જનરેશનના નવા રેગ્યુલેશન્‍સમાં બ્રિટન શરૂઆતથી સહયોગ કરે છે તેની વિગતો આપી હતી. ગિફ્ટ સિટીમાં પણ યુ.કે.ની શ્રેષ્ઠ શૈક્ષણિક યુનિવર્સિટીના કેમ્પસ શરૂ કરવા અંગેના વિષયે પણ ચર્ચાઓ આ સૌજન્ય મુલાકાતમાં હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, OSD એ.બી.પંચાલ તેમજ GIDCના એમ.ડી. રાહુલ ગુપ્તા આ મુલાકાત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.