ગાંધીનગર, 19 જુલાઈ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ આજે જણાવ્યું કે ઓનલાઇન એમેઝોન પર બનાવટી કોસ્મેટીક વેચાણનો પર્દાફાશ કરી વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવટી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે.
સરકારી સૂત્રોએ જણાવ્યા મુજબ શ્રી કોશિયાએ કહ્યું કે રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવાના / કોસ્મેટીકના વેચાણમા સંકળાયેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માં આવી રહી છે જેના ભાગરૂપે મળેલ માહીતી અને ફરીયાદના આધારે ભાવનગર ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવટી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે અને શંકાસ્પદ કોસ્મેટીકના ૪ નમુના લઈ ચકાસણી માટે મોકલી આશરે ૬૦ હજારની કિંમતનો કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
એમણે ઉમેર્યું કે કોસ્મેટીકના કોઇપણ લાયસન્સ વગર ભ્રામક તથા લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી લોકોમાં અંધશ્રધ્ધા ફેલાવવાનું કૃત્ય કરતા લોકો દ્વારા કોઇપણ પ્રકારની જ્યોતીષી કરવા માટેની ડિગ્રીસર્ટી વગર જ લોકોને જ્યોતીષ માર્ગદર્શન પુરુ પાડી લોકોને છેતરવાની કામગીરી તથા ઓનલાઇન એમેઝોન માધ્યમમાં ખોટો પ્રચાર કરી ઉત્પાદન અને વેચાણનું કૃત્ય થાય છે જે અન્વયે ગાંધીનગરના વાય. જી. દરજી. નાયબ કમિશ્નર (આઇ.બી.)ના મર્ગદર્શન હેઠળ ગાંધીનગરની ડ્રગની ટીમ અને ભાવનગરની ડ્રગની ટીમ દ્વારા ભાવનગરના મદદનીશ કમિશ્નર એ. એ. રાદડીયાના માર્ગદર્શન હેઠળ નિલોફરબેન સાદીકભાઇ ખદરાણી એ તેઓના રહેણાંકના મકાનના બીજા માળે પ્લોટ નં. ૮૧, મેઘદુત સોસાયટી, ભાવનગર ખાતે વગર પરવાને GJ/05/0034175 લાયસન્સ નંબર તેઓની રીતે છાપી જે ખરેખર આ તંત્ર દ્વારા અપાયેલ નથી તેનો ઉપયોગ કરી વિવિધ સાબુનું ઉત્પાદન કરતા ઝડપી પાડ્યા છે.
આ ઉત્પાદન માટે તેઓ ઘરગથ્થુ ચીજવસ્તુઓ જેવી કે, ઇન્ડક્શન ગેસ, તપેલા, ચમચા, રો-મટીરીયલ, વિવિધ ફ્લેવર્સ, વિવિધ મોલ્ડ ફ્લેવર્સ, ફ્રિઝ, આયુર્વેદિક મીક્ષ પાવડર્સ, ૧૨૦ કિગ્રા રો-મટીરીયલ, પ્રબલ બ્રાન્ડનો બ્રાસનો સિક્કો અને જુદા-જુદા ગ્રહોના ફોટાવાળા પ્રિન્ટેડ કાર્ટન વગેરે વસ્તુઓ આગળની કાર્યવાહી માટે જપ્ત કરી છે અને અધિકારીઓએ આશરે ૩.૫૦ લાખના વિવિધ બ્રાન્ડના આશરે ૧૮૦૦ સાબુનું વેચાણ કર્યાનું પકડી પાડ્યું છે અને તેઓએ આ સાબુની બનાવટ મે. સુર્યતનાયા ઇનોવેશન એલ.એલ.પી., પ્લોટ નં. ૧૨૧૦, એબીસી, સ્વસ્તીક સોસાયટી, ભાવનગર ખાતે તપાસ કરતાં તેઓ આ સાબુની બનાવટ તેઓની પોતાની વેબસાઇટ તેમજ ઓનલાઇન એમેઝોન પર વેચાણ કરતાં પકડી પાડી છે.
તેમણે ઉમેર્યુ કે,આ પેઢી દ્વારા મોટાભાગનું વેચાણ તેઓના પતિ દિલીપભાઇ અમૃતલાલ મહેતાની દવાની એજન્સી મે. એપેક્ષ ફાર્મા એજન્સી, ભાવનગર ખાતેથી તમામ સાબુનું વેચાણ તેમજ ડિલીવરી કરવામાં આવતી હતી અને તપાસ દરમ્યાન તેઓને ત્યાંથી કુલ ૪ નમુનાઓ લઈ પૃથ્થકરણ અર્થે વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપેલ છે.એજન્સી માંથી કાયદેસરની કાર્યવાહી અર્થે ૨૦ હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
તેઓની વધુ તપાસ કરતાં તેઓ દોઢમાસથી કોસ્મેટીકનું વેચાણ કરેલ છે. તેમજ તેઓ રો-મટીરીયલ ક્યાંથી અને કેવીરીતે લાવતા હતા અને તેઓ આ કોસ્મેટીકનું વેચાણ ક્યાં ક્યાં, કેવીરીતે અને કોને કોને વેચાણ કરતાં હતા તેની આગળની તપાસનો ધમધમાટ ચાલુ કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ એ તાજેતરમાં સુરત ખાતે ઓનલાઇન એમેઝોન પર વેચાણ કરતી નકલી બનાવટી કોસ્મેટીક ઉત્પાદન કરતી પર પાડેલ દરોડા અને પેઢીઓ પર પાડેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.