ગાંધૌનગર, 26 જુલાઈ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેરિસ ખાતે આયોજિત ઓલિમ્પિક્સ-૨૦૨૪માં ભાગ લેવા જઈ રહેલા ગુજરાતના ૩ પ્રતિભાવાન ખેલાડીઓ સહિત ભારતના તમામ ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભકામનાઓ પાઠવી છે.
આપણા સ્ટાર ખેલાડીઓ નિરજ ચોપડા, પી.વી. સિંધુ, શરથ કમલ, શ્રીજેશ પી.આર., રોહન બોપન્ના, મીરાબાઇ ચાનુ સહિત ભારતના ૧૧૭ ખેલાડીઓ આ રમતોત્સવની વિવિધ ૧૬ સ્પર્ધામાં ભાગ લેવાના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઓલિમ્પિક્સમાં ભાગ લેવા જઇ રહેલા આ ખેલાડીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને તેમને સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે.
મુખ્યમંત્રી શ્રી પટેલે પણ ગુજરાતના ત્રણ હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે તેને સૌ ગુજરાતવાસીઓ માટે આનંદનો અવસર ગણાવ્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરીને અનેક પ્રતિભાવંત ખેલાડીઓને નિખાર આપ્યો છે. તેમજ ટેબલ ટેનિસ રમતમાં હરમિત દેસાઈ અને માનવ ઠક્કર તેમજ ઍર રાઇફલ શૂટિંગમાં ઈલાવેનિલ વાલારિવનની પેરિસ ઓલિમ્પિક્સ-૨૦૨૪માં પસંદગી ગુજરાતના ખેલ જગતની ગૌરવ ગાથામાં નવું સિમાચિહ્ન છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, ઓલિમ્પિક્સ રમતોમાં વધુને વધુ મેડલ્સ મેળવીને આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિક્સમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓની મનોકામના છે. એટલું જ નહિ સૌ ભારતવાસીઓ ‘ચિયર ફોર ભારત’ (Cheer for Bharat) માટે ઉત્સુક છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ સૌ ખેલાડીઓને સફળતા ની શુભેચ્છાઓ આપતા ઉમેર્યું છે.